ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/સંગીત

સંગીત

(માંડુના જંગમાં બહાદુરશાહને હરાવ્યા પછી હુમાયુંએ રાતો પોશાક પહેર્યો અને કત્લેઆમ ચલાવી. કોઈએ ગુજારિશ કરી : હજૂર, આને ન મારશો, આ તો રાજગવૈયા મિયાં મંઝૂ! હુમાયુંએ કરડાકીથી કહ્યું : મંઝૂ કશુંક સંભળાવ! – મિરાતે સિકંદરી, ઈ.સ. ૧૬૧૧)

કંઠને મોકળો કર્યો મિયાંએ, મલ્હારમાં
વૃક્ષનાં પાન થયાં સરવાં
બજવા લાગ્યા મૃદંગ, ક્યાંક વળી જલતરંગ
ચકલીની પાંખો પહેરીને
ધૂળ ઊડી
વાદળે મારી ફૂંક
માટીની મુઠ્ઠીમાંથી અત્તર નીકળ્યું
હુમાયુંનો પોષાક થયો લીલોછમ્મ
તેણે આઠ હજારમાંથી સાત હજાર કેદીને મુક્ત કર્યા
મંઝૂએ અરજ કરી :
હજૂર, બાકીનાને પણ...
હુમાયું કહે :
તારા એક એક સૂર સામે
અમે હજાર હજારને આઝાદ કર્યા
હવે કશું નવું સંભળાવ
તમામને આઝાદ કરીશું
... ...
ક્યારે થશે સૌ આઝાદ?
ક્યારે સંભળાવશે સંગીતકાર
આઠમો સૂર?

(૨૦૧૫)