ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/નાટક


ઉપસંહાર: નાટક

નાટ્યક્ષેત્રે ઉમાશંકરનો રસ ‘વિશ્વશાંતિ’(૧૭૩)–સમયથી. તેમણે એકાંકીના બે સંગ્રહો આપ્યા. એક ‘અનાથ’ નામનું ત્રિઅંકી પણ ખરું. ગુજરાતી એકાંકીઓના ક્ષેત્રે ઉમાશંકરની સિદ્ધિ કોઈને સર્વોપરી જણાય તો તેમાં કશું આશ્ચર્ય નથી. ઉમાશંકરનાં એકાંકીઓ વસ્તુ, ભાષા અને સ્વરૂપવૈવિધ્યની દૃષ્ટિએ આકર્ષક છે. ‘સાપના ભારા’ તો સાહિત્યક્ષેત્રે લોકબોલીની કલાત્મક સિદ્ધિના અપૂર્વ નિદર્શનરૂપ નાટ્યસંગ્રહ છે. ચંદ્રવદન, પન્નાલાલની લોકબોલીગત સિદ્ધિ આ પછીની છે. ‘સાપના ભારા’નાં એકાંકીઓમાં ગાંધીયુગીન સાહિત્યની વાસ્તવનિષ્ઠાનું એક અનોખું પરિમાણ હાંસલ થતું દેખાય. કોઈ ‘હવેલી’ એકાંકીનોયે આ સંદર્ભમાં નિર્દેશ કરી શકે. ઉમાશંકરે જે નાટ્યરસ ‘વિશ્વશાંતિ’-સમયે દાખવેલો એના જ અવનવા વિવર્તોરૂપે ગદ્યમાંનાં ‘સાપના ભારા’, ‘હવેલી’ (પૂર્વેનું ‘શહીદ’), ‘અનાથ’ – એ નાટકોને તેમ પદ્યમાંના ‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’ને જોઈ શકાય. પદ્યમાં ઉમાશંકર સૉનેટથી — આત્મલક્ષી કાવ્યપ્રકારથી આરંભી પદ્યનાટક સુધી — પરલક્ષી કાવ્યપ્રકાર સુધી વિસ્તર્યા, તો ગદ્યમાં તેઓ નિબંધિકા – આત્મલક્ષી કાવ્યપ્રકારથી આરંભી એકાંકી – પરલક્ષી કાવ્યપ્રકાર સુધી વિસ્તર્યા. આ કોઈ ચુસ્ત આયોજનપૂર્વક બનેલી ઘટનાવિધિ નથી; આ એક આકસ્મિક રીતે જ વરતાતો ગતિક્રમ છે. ઉમાશંકરમાં શબ્દયોગે કરીને સમષ્ટિલક્ષી ખટાપટી એકધારી ચાલતી રહ્યાનો સંકેત આ ગતિક્રમમાં જોઈ શકાય. ચંદ્રવદન, જયંતિ દલાલ જેવા નાટ્યસર્જકોને છે એ પ્રકારનો સીધો રંગભૂમિનો અનુભવ ઉમાશંકરને હોત તો ? સંભવ છે એથી એમની નાટ્યરીતિમાં કેટલોક ફરક પડી શક્યો હોત. ઉમાશંકર રંગભૂમિથી અભિજ્ઞ નથી એ ખરું, પણ એ ‘કવિજીવ’ છે એવા ‘રંગભૂમિના જીવ’ કહી શકાય ? પ્રશ્ન માત્રાભેદનો છે. ‘સાપના ભારા’ એકાંકીસંગ્રહની તુલનામાં ‘શહીદ’ એકાંકીસંગ્રહ નાટ્ય-સામર્થ્યની દૃષ્ટિએ કંઈક ઓછો ઊતરતો લેખાય છે. હકીકતમાં ઉમાશંકરની એકાંકી-કળાના વિકાસનો ખ્યાલ કરતાં ‘શહીદ’ એકાંકીસંગ્રહની ઉપેક્ષા કરી શકાય એમ નથી. ઉમાશંકરનો જે કંઈ રંગભૂમિરસ છે તે એમાં ઠીક ઠીક સક્રિય થયેલો જણાય છે ને તેથી તેમાં રજૂઆત-વૈવિધ્ય પણ સારા પ્રમાણમાં આવેલું જોઈ શકાય છે. ઉમાશંકરનું ‘અનાથ’ નાટક પ્રમાણમાં શિથિલ છતાં જે બે પેઢીઓ વચ્ચેની – પુત્રપિતા વચ્ચેની એક મનોવૈજ્ઞાનિક સમસ્યા લઈને ઉપસ્થિત થાય છે તેને કારણે રસપ્રદ તો બને જ છે. ઉમાશંકરે ગદ્યનાટકોમાં ઉત્પાદ્ય વસ્તુ લીધું તો પદ્યનાટકો (નાટ્યલક્ષી પદ્યપ્રયોગો)માં રામાયણ, મહાભારત, ભાગવતાદિમાંનું ખ્યાત વસ્તુ લીધું તે ઘટના ધ્યાનાર્હ છે. વસ્તુ (‘કન્ટેન્ટ’) અને સ્વરૂપ-રીતિ (‘ફૉર્મ’) વચ્ચેનો મેળ એકાંકીઓમાં તેમ નાટ્યલક્ષી પદ્યપ્રયોગોમાં સુપેરે સિદ્ધ થયેલો પામી શકાય છે. એમની પદ્યનાટક-એકાંકીની કલાસિદ્ધિમાં ‘काव्येषु नाटकम् रम्यम्’ની ઉક્તિ સાર્થક થતી લાગે. એમાં એમનો સૌષ્ઠવનિષ્ઠ શિષ્ટતાવાદી સર્જક-અભિગમ પણ દૃષ્ટિગોચર થાય.