ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/વિવેચન


ઉપસંહાર: વિવેચન-સંશોધન-સંપાદન

ઉમાશંકર મુખ્યત્વે કવિ – ઊર્મિકવિ, પણ તે સાથે એમની વિવેચનસેવાનુંયે સ્મરણ કરવું જોઈએ. વિવેચનને તેમણે સર્જનના મુકાબલે હંમેશાં ગૌણ સ્થાન જ આપ્યું છે. વિવેચન-કાર્યની ઉપેક્ષા કે અત્યાદરથી તો તેઓ દૂર જ રહ્યા છે. વિવેચકને સર્જક તેઓ નથી જ કહેતા તેમ જ સર્જક ‘વિદ્વજ્જનોના પરિતોષ’નો વિચાર કરવા જેટલીયે વિનીતતા કેળવી શકે એય એનું લાંબા ગાળાનું હિત જોતાં મુનાસિબ માનતા નથી. ઉમાશંકર તત્ત્વાભિનિવેશી ભાવક છે; અતન્દ્ર સૌન્દર્યદર્શિતા (૧૭૩)– એ એમનો વિવેચક તરીકેનો આદર્શ છે. ‘હાય, કમબખ્ત તૂને પી હિ નહીં’ – એ ગાળથી યોગ્ય રીતે જ તેઓ વેગળા રહેવાનું માને છે. ‘નથી’ કહેવું સહેલું છે, ‘છે’ કહેવું અઘરું છે; કારણ કે ‘છે’ એમ કહેવામાં પોતાની કેટલીક માનસગ્રંથિઓમાંથી છૂટવાનો તેમ, સહૃદયતાથી સામાને સ્વીકારવાનો પ્રશ્ન આવે. (અહીં જે છે જ નહિ એને છે કહેવાનો તો પ્રશ્ન જ અપ્રસ્તુત છે.) ઉમાશંકરે મહદંશે ઇતિમૂલક યથાર્થ અભિગમ જ વિવેચનમાં પસંદ કર્યો છે. નકારાત્મક પરિસ્થિતિઓને આ ચકોર (ચતુર) વિવેચકે વેગળી જ રાખી છે. સાહિત્યપદાર્થના ‘ટચસ્ટોન’ બની શકે એવા શિષ્ટ કાવ્યગ્રંથોની ઉપાસના તેમણે વધુ પસંદ કરી છે. વ્યાસ ને વાલ્મીકિ, કાલિદાસ ને ભવભૂતિ, રવીન્દ્રનાથ ને શરતચંદ્ર, શેક્સપિયર ને ગ્યુઇથે, તૉલ્સ્તૉય ને ચેખૉવ – આવા આવા તો અનેક શબ્દસ્વામીઓનું આકર્ષણ તેઓ અનુભવતા રહ્યા છે. ઉમાશંકરની ભાવનોપાસના સર્જનોપકારકતાના ખ્યાલે જ ચાલી જણાય છે. એમનાં વિવેચનો આસ્વાદમૂલક અવબોધકથાઓ તરીકે જોવાય એ એમને ઇષ્ટ છે. તેઓ પોતાના વાચનને ‘સર્જક-વાચન’ કહે છે. એમના વિવેચનનેય ‘સર્જક-વિવેચન’ કહી શકાય. તેઓ એક વિવેચક તરીકે પ્રત્યક્ષ વિવેચનાને સૌથી વધુ મહત્ત્વની લેખે છે અને તે ધોરણે આપણા એક મૂર્ધન્ય પ્રત્યક્ષવિવેચક તેઓ છે. ઉમાશંકરે જેમ અંગ્રેજી, સંસ્કૃત, બંગાળી, હિન્દી અને ગુજરાતી – એમ વિવિધ ભાષાઓની પ્રશિષ્ટ કૃતિઓ વિશે તેમ કેટલીક સમકાલીન સાહિત્યકૃતિઓ વિશે પણ સુંદર આલોચનાલેખો આપ્યા છે. ઉમાશંકરે હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રહ્લાદ પારેખ, કૃષ્ણલાલ શ્રીધરાણી, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, પ્રિયકાન્ત મણિયાર જેવા અનેક સર્જકોના સંદર્ભમાં જે લખ્યું છે તે સ્મરણીય છે. પન્નાલાલ મડિયા વગેરેનેય આ સંદર્ભમાં ઉમેરી શકાય. સમકાલીન સાહિત્યની ‘મૂક વિવેચના’ ‘સંસ્કૃતિ’ સામયિકના તંત્રીકાર્યમાંથીયે પામી શકાય. ઉમાશંકર એક પંડિત અભ્યાસી તરીકે ‘અખો : એક અધ્યયન’ જેવા ગ્રંથમાંયે પ્રગટ થાય છે. તેમનું અભ્યાસખમીર ‘વિવેચનની સાધના’ જેવા અનેક લેખોમાં જોઈ શકાય. ઉમાશંકરની સમગ્ર વિવેચનાનો ખ્યાલ કરતાં તેમને સહેલાઈથી વિવેચનક્ષેત્રે આનંદશંકર, બલવંતરાય અને રામનારાયણની હરોળમાં મૂકી શકાય. આનંદશંકર – રામનારાયણની પરંપરા જ ઉમાશંકરમાં લંબાતી ને કંઈક વિકાસ પણ સાધી રહેલી પમાય. ઉમાશંકરે કવિકર્મનો જે રીતે મહિમા કર્યો છે તે એમના વિવેચનની એક વિલક્ષણતા કહેવાય. તેઓ કોઈ વાદપરસ્તીમાં કે હિતપરસ્તીમાં ગૂંચવાયા નથી. ક્યારેક આરંભનાં વિવેચનોમાં તેઓ જીવનનિષ્ઠા કે સમાજનિષ્ઠાથી દોરવાતા જણાય પણ થોડી ડગાડગ છતાં એકંદરે તેમની કલાનિષ્ઠાની જે ધારણ છે તે સચવાઈ રહેલી પ્રતીત થાય છે. ઉમાશંકર જીવનનિષ્ઠ કલાના સંનિષ્ઠ ઉપાસક ને પુરસ્કર્તા રહ્યા જણાય છે. તેમનો મધ્યકાલીન તેમ અર્વાચીન – ઉભય સાહિત્યમાં એક ‘ભાવકાગ્રેસર’ તરીકે મુક્ત ગતિસંચાર રહ્યો દેખાય છે. અને સર્જકો, સર્જનકૃતિઓ તેમ જ સર્જનપ્રવાહો વિશેનાં તેમનાં નિરીક્ષણો ધ્યાનાર્હ જણાયાં છે ને એ રીતે અભ્યાસીઓને એમની અવતરણક્ષમતાયે ઠીક ઠીક પ્રમાણમાં વરતાઈ છે. સૉનેટ, ખંડકાવ્ય, મુક્તક, પદ્યનાટક, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ – આ બધા સાહિત્યપ્રકારો વિશેનું એમનું વિવેચન મહત્ત્વનું હોઈ ગુજરાતી પ્રકારલક્ષી વિવેચનામાંના તેમના સમર્થ પ્રદાનનું સંકેતક બને છે. એમની ઇતિહાસનિષ્ઠ વિવેચનાયે તેમનાં અપૂર્વ નિરીક્ષણો–તારણોને લઈને અધ્યયનક્ષમ બની છે. તુલનાત્મક વિવેચનની દિશામાંયે તેમનું પદાર્પણ છે. ઉમાશંકરનું સૈદ્ધાંતિક વિવેચન પણ નગણ્ય નથી. સ્વસ્થચિત્તે વિચારતાં ઉમાશંકરના ‘સમસંવેદન’, ‘કવિની સાધના’, ‘કવિની શ્રદ્ધા’ અને ‘કવિકર્મ’ જેવા લેખો આનંદશંકરનો ‘કવિતા’ વિશેનો લેખ, રામનારાયણ ‘કાવ્યની શક્તિ’ વિશેના લેખ – આવા લેખોની હરોળમાં મૂકી શકાય એવા સંગીન અને સમૃદ્ધ છે. ઉમાશંકરની બૌદ્ધિક સૂક્ષ્મતા, સહૃદયતા અને કલાવિવેક – આ ત્રણેયનો સમન્વિત ખ્યાલ કરતાં ઉમાશંકરની વિવેચન-પ્રતિભા પૂર્વસૂરિઓની પરંપરાને શોભાવતી, એને એકાદ ડગલું આગળ લઈ જવાયે મથતી જણાય. ગુજરાતી ગદ્ય વિશેની નિરીક્ષા; પદ્યમુક્તિ અને મુક્તપદ્ય, અનુસર્જન, પદ્યાનુવાદ જેવા કેટલાક મુદ્દાઓની ચર્ચા; ‘લેખક અને રાજ્ય’, ‘રાષ્ટ્રીય એકતા અને સાહિત્ય’, ‘લેખકની સ્વતંત્રતા અને તેની જવાબદારી’, ભારતીય સાહિત્યની વિભાવના – આવા આવા પ્રશ્નોની તેમની ચિકિત્સા; તેમનાં રસદર્શન, વિવરણ, ભાષ્ય, ચર્ચા જેવાં વિવિધ વિવેચન-સ્વરૂપો — આ સર્વને કારણે અને તેમાંયે સૌથી વિશેષ તો એમની ભાવયિત્રી પ્રતિભાના નવોન્મેષોને કારણે; એમના વિવેચનના શાસ્ત્રીય ને છતાં પ્રસાદયુક્ત ગદ્યને કારણે તેઓ જેમ પ્રથમ પંક્તિના કવિ તેમ પ્રથમ પંક્તિના વિવેચક તરીકે પણ પ્રતિષ્ઠિત થયા છે. આપણે ઉમાશંકરના ‘શ્રી અને સૌરભ’નો રવીન્દ્રનાથના ‘પ્રાચીન સાહિત્ય’ની તુલનામાં અભ્યાસ કરી શકીએ. રવીન્દ્રનાથના કામની પડછે ઉમાશંકરના સર્જન-વિવેચનના કામનેય અવલોકવા જેવું છે જ. રવીન્દ્રનાથ અને ઉમાશંકરમાં એવું કેટલુંક છે જે કેટલાકને ઉમાશંકર ‘રવીન્દ્રનાથના શિષ્ય’ હોય એમ માનવા લલચાવે ! વસ્તુત: બંનેની ગતિદિશામાં સમાન ધ્યેયનિષ્ઠા હોઈને જ આવી લાગણી થાય છે. ઉમાશંકરે ‘પુરાણોમાં ગુજરાત’નું જે કાર્ય કર્યું તે તેમના સાંસ્કૃતિક રસનું દ્યોતક છે. સંશોધનનો કેવો રમણીય મુદ્દો એમણે પસંદ કર્યો છે, તે સૌ જોશે જ. એમનું એ સંશોધનકાર્ય તેમ એમનું મધ્યકાલીન તેમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક ગ્રંથોનું સંપાદન – એમની આ પ્રકારનાં કાર્યો માટેની સજ્જતા, ચીવટ તથા સૂઝવિવેકનું દર્શન કરાવી રહે છે. એમનું શાલેય સાહિત્યિક ગ્રંથોનું સંપાદન પણ એકંદરે પ્રશસ્ય જણાયું છે. અર્ધી સદીથી દેશવટો ભોગવતા બાળાશંકરને જે રીતે સ્વાધ્યાય-અર્ઘ્ય સમર્પ્યો, હરિશ્ચંદ્ર ભટ્ટના કાવ્યસંગ્રહને તેમ જ આનંદશંકરના ગ્રંથોને (રા.વિ. પાઠક સાથે) સંપાદિત કરવામાં જે રીતે મિત્ર-ઋણ કે વડીલ-ઋણ અદા કરવા સાથે સાહિત્યસેવા ને ગુજરાતી-સેવાયે એમણે કરી તેની નોંધ આપણે લઈશું ને તેમ કરતાં તેમના સંપાદકધર્મનીયે ઉત્કૃષ્ટતા પણ ખ્યાલમાં રાખીશું. તેમણે ‘કવિતા સંગમ’નાં સંપાદનો દ્વારા જે રાષ્ટ્રીય એકાત્મકતા ને વૈશ્વિક સંવાદિતાની દિશામાં કામ કર્યું છે તે પણ આપણે સ્મરણમાં રાખીશું. ‘સંસ્કૃતિ’ દ્વારા જે રીતે સંસ્કૃતિસેવા ને સાહિત્યિક પત્રકારત્વની સેવા થઈ છે તે પણ ધ્યાનમાં રાખવી ઘટે. નર્મદે રાજ્યરંગની વાત કરેલી. ઉમાશંકરે ‘સમયરંગ’ની વાત કરી છે. એક મહાન સંવેદનશીલ સર્જકચિત્ત જે રીતે પોતાના સમકાલીન જીવન-જગતને જુએ છે, સમજે છે અને તેની સરસ ને સચોટ છબિ આલેખે છે તે ઉમાશંકરની પરંપરા, એમની પીઠિકા અને પ્રવૃત્તિના સમ્યક આકલનમાં ખૂબ જ ઉપયોગી થાય એમ છે. યુગસર્જક ઉમાશંકરની આંતરછવિનું સમ્યક દર્શન કરવા ચાહનારે તો ‘સમયરંગ’ના બે ખંડોને પણ ખૂંદી લેવા જોઈએ. ઉમાશંકરની બહુમુખી પ્રતિભાએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં પોતાનો ગતિ-સંચાર બતાવ્યો છે; પરંતુ સૌમાં તેમની કવિતા અને તેમની કવિતા-વિવેચના સવિશેષ યશસ્વી લાગે છે. કાવ્યનો શબ્દ એમના સતત અવધાનનો વિષય રહ્યો છે. એકાંકી, ટૂંકી વાર્તા, નવલકથા – આવું કેટલુંક લખાયું ને પછી બંધ પણ પડ્યું. એક કવિતાએ તેમને આયુષ્યના અંત સુધી પકડી રાખ્યા. કવિતાએ એમનો ‘પીછો’ ન જ છોડ્યો; તો ઉમાશંકરેય તેનો ‘પીછો’ ક્યાં છોડ્યો છે ? ઉમાશંકરે શબ્દ દ્વારા જ્યારે જ્યારે પ્રગટ થવાનું થયું ત્યારે ત્યારે ‘કવિ’ તરીકે જ પ્રગટવાનું પસંદ કર્યું. પાર્લમેન્ટમાં કટોકટી-સમયના એક સુંદર વ્યાખ્યાનમાં તેમણે પોતાનો પરિચય ‘કવિ’ તરીકે જ આપ્યો હતો.

ઉમાશંકર એક કલાકાર તરીકે વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રબળ પુરસ્કર્તા છે, પણ તે સાથે જ કલાકારના સમષ્ટિગત દાયિત્વના પણ તેઓ આગ્રહી છે. કલાકાર હોવું તેને જ તેઓ એક મોટીમસ જવાબદારી માને છે. તેમનો કવિધર્મ – સારસ્વતધર્મ એ કવિકર્મનું જ બીજું નામ છે. ‘કવિ’ શબ્દમાં જ એક સંનિષ્ઠ માનવધર્મીનો પરિચય રહ્યો છે અને તેથી જ એના કર્મમાં તેઓ માનવધર્મની ગતિ-સિદ્ધિ અવલોકે છે. તેઓ કવિકર્મ દ્વારા આંતરબાહ્ય જીવનમાં, વ્યક્તિગત તેમ સમષ્ટિગત ભૂમિકાયે સંવાદતત્ત્વના વિકાસ–સંવર્ધન–વિસ્તારની હિમાયત કરે છે. આમ હિમાયત કરવી એ એક વાત છે ને કલામાં એ સંવાદધર્મ સિદ્ધ કરવો એ બીજી વાત છે. એ બીજી વાત તો કવિ પોતાનામાંના દ્વૈતને જેટલે અંશે સર્જનકાળે ગાળી શકે એટલા અંશે જ સિદ્ધ કરી શકે. ઉમાશંકરના સર્જનકાર્યમાં દ્વૈતાદ્વૈતની ખેંચતાણ ઠીક ઠીક વરતાય છે. આમ છતાં ઉમાશંકરનું લક્ષ્ય તો શબ્દને વ્યક્તિચૈતન્ય, સમષ્ટિચૈતન્ય અને વિશ્વચૈતન્ય વચ્ચે સેતુરૂપે પ્રતીત કરવાનું છે. વધુ ઊંડાણથી જોઈએ તો જે એકાત્મતા આ સર્વને તળિયે છે તેના પ્રતીકરૂપે શબ્દને સિદ્ધ કરવાનું એમનું લક્ષ્ય છે. આ લક્ષ્ય દુ:સાધ્ય છે ને ખરેખર સધાતું તો જણાય કોક ‘શોધ’ કે ‘પંખીલોક’ કાવ્યમાં, કોક ‘બારણે ટકોરા’માં, કોક ‘મારી ચંપાનો વર’માં. આમ છતાં એ લક્ષ્યની દિશામાં આયુષ્યના અંત પર્યન્ત જે રીતે એમનો વાઙ્મયપુરુષાર્થ અવિરત ચાલ્યો છે એની આપણે ઘટિત નોંધ લેવી જ જોઈએ. કોઈ સાહિત્યસર્જક – કોઈ વિવેચક પોતાના દેશકાળથી નિરપેક્ષ રહી ન શકે. ઉમાશંકર વીસમી સદીના સર્જક, ગાંધીયુગના સંતાન. વીસમી સદી જો માનવ પર આક્રમણ કરતા વિજ્ઞાન ને યંત્રતંત્રના ઝડપી વિકાસની સદી છે તો એ આક્રમણ સામે મજબૂત થવા મથતી માનવતાની પ્રતિષ્ઠાનીયે સદી છે. એ જો વિશ્વયુદ્ધોની – મનુષ્યના અસ્તિત્વને ધમકી આપતાં પરિબળોની સદી છે તો તે વિશ્વશાંતિની – અહિંસાત્મક ચળવળોની – સત્યાગ્રહોની, વિશ્વશાંતિસમર્થક આંતરરાષ્ટ્રીય સંસ્થા-ઓનીયે સદી છે. આ સદી હિટલરની ક્રૂરતાના અનુભવોની તો ગાંધીજીની કરુણાના સાક્ષાત્કારનીયે સદી છે. આ સદીએ જો બુદ્ધિવિજય ગાયો છે તો આત્મવિજયની અભીપ્સાયે ક્રમશ: વધુ ને વધુ દાખવી છે. આ સદીમાં જો ગતિશક્તિનો વિસ્ફોટ વરતાય છે તો ધૃતિપ્રીતિની પ્રતિષ્ઠાયે વરતાય છે. ગાંધીજીનું કાર્ય વસ્તુત: કોઈ અકસ્માત કે ચમત્કારરૂપ નહોતું; એ કાર્ય જમાનાની આવશ્યકતામાંથી ઉપસ્થિત થયેલું હતું. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ માટે ગાંધીજીની પસંદગી કરી ત્યારે તેમાં વસ્તુત: ને તત્ત્વત: યુગાત્માની જ પસંદગીનો પ્રશ્ન સંડોવાયેલો હતો. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ વિષય લઈને પોતાની જમાના સાથેની નિસબત બતાવી, તો ‘અભિજ્ઞા’–‘સપ્તપદી’ આપીને પોતાની વિકાસલક્ષી જીવંતતાનીયે એક હૃદ્ય પ્રતીતિ આપી. ઉમાશંકરની શબ્દયાત્રા હકીકતમાં ‘મંગલ શબ્દ’ની યાત્રા છે. ‘મંગલ’ વિશેષણ ઉમાશંકરના જમાનાની તેમ જ એમની પોતાની માંગલ્યધર્મી કલાનિષ્ઠાની મુદ્રાથી અંકિત છે. ઉમાશંકરની કાવ્યયાત્રા મંગલ શબ્દના શ્રવણ-સર્જનથી આરંભાઈ ને માંગલ્યધર્મી મૌનમાં છેવટે પરિણમન પામી. વાગ્ભાવક – વાગ્સર્જક પોતે પોતાનું નામ ઓગાળીને જાણે ‘વાઙ્મય’માં વ્યાપીને વિ-રમ્યા ! ઉમાશંકર એક કલાકાર તરીકે ‘વિશ્વ’થી ઓછે ન જ રીઝ્યા. પોતાના શબ્દને અમંગલ કે અભદ્ર કરવા માટે કોઈ ઉમાશંકરને મજબૂર ન કરી શકે એવું એમનું પોત હતું. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ સમયે જે ‘મંગલ શબ્દ’ની ઉદ્ઘોષણા કરી તે શબ્દને કાવ્યના શબ્દ-રૂપે સિદ્ધ કરવાનો તેમનો પ્રયાસ જીવનભર એકધારો ચાલતો રહ્યો અને તે સાથે તેમની વ્યક્તિ મટીને વિશ્વમાનવી થવાની સાધનાયે ચાલતી રહી. આમ એક સંવાદધર્મી સાહિત્યકાર (૧૭૩)– સારસ્વત તરીકે સંવાદતત્ત્વની એમની સમારાધના અનેક સ્તરોએ – અનેક રૂપે ચાલી. પુષ્પ સાથેય સંવાદની એમની એષણા પણ એ જ સમારાધનાના એક સંકેતરૂપ હતી. ઉમાશંકરના કાવ્યસાહિત્યમાં અરૂઢ અર્થમાં એક પ્રકારની ‘રિલિજિયૉસિટી’નો દોર જોઈ શકાય. એ એ ‘રિલિજિયૉસિટી’ (‘શુચિ શીલન’) હકીકતમાં તો મનુષ્ય-દેવતા – જીવનદેવતાની ઉપાસનારૂપ છે. તેઓ વળી વળીને ‘માનુષી દિવ્યતા’ અથવા ‘દિવ્ય મનુષ્યતા’નું દર્શન શબ્દના કરણથી કરવા-કરાવવા મથ્યા છે. ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ના હાર્દમાંયે ‘નિત્યધર્મ’નું તત્ત્વ જ સ્ફુરાયમાણ છે; કમભાગ્યે, પદ્યનાટકની પ્રકારગત, છંદોલયગત ચર્ચામાં એ કૃતિઓની વસ્તુગત ચર્ચા જેટલી થવી જોઈતી હતી તે થઈ નહીં, નહીંતર ઉમાશંકરનું ધર્મપૂત જીવનદર્શન ભારતીયતાના કેવા તેજ-રંગ સાથે પ્રગટ થયું છે તેની સઘન-સૂક્ષ્મ તપાસ થઈ હોત. ઉમાશંકરે એમના સાહિત્યમાં પ્રકૃતિ, મનુષ્યકૃતિ ને સંસ્કૃતિ – આ ત્રણેયને એકસૂત્રે (૧૭૩)– સંવાદસૂત્રે ગ્રથિત કરતા સ્નેહતત્ત્વને જે રીતે મહત્ત્વ આપ્યું છે તે પણ ધ્યાનાર્હ છે. न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित्। એ કૃષ્ણદ્વૈપાયન વ્યાસની પ્રતીતિ હતી ને મહાભારતમાં માનવતાનું દર્શન કરનાર વ્યાસપ્રેમી ઉમાશંકરનીયે એ જ પ્રતીતિ છેક સુધી રહેલી. ઉમાશંકરના સમગ્ર સાહિત્યમાં જાણપણ અને શાણપણનો પ્રમાણમાં આસ્વાદ્ય એવો મેળ જોવા મળે છે. એ મેળ એમના ‘સંસ્કૃતિ’ના તંત્રીકાર્યમાંયે ઊપસે છે. ઉમાશંકર પાસે પ્રાસન્ન્યમૂલક સ્વાસ્થ્યનું બળ હતું, જેથી તેઓ વિષમ પરિસ્થિતિમાંયે આત્મનિષ્ઠ સમતુલા ઠીક જાળવી રાખતા અને આ કારણે એમનો શબ્દ અપરસમાં રાચતો જોવા મળતો નથી. સમતા – વિવેક એમના જીવન અને સાહિત્યનો એક નિયામક ગુણ જણાય છે. ઔચિત્ય-ધર્મ માટેની એમની સજગતા પણ પ્રશસ્ય છે અને તેથી જ એકંદરે અંતિમતાઓથી બચતા રહી, સર્જકને માટે જે ગુરુત્વમધ્યબિંદુ તેને શબ્દ-કલામાં મોટે ભાગે તેઓ સાચવી લઈને ચાલ્યા. ઉમાશંકરને શું જીવનમાં, શું કવનમાં સમ્યક વિચાર, વાણી આદિનું એક સ્વાભાવિક જ આકર્ષણ રહેલું. પોતાનો શબ્દ – પોતાની કૃતિનો શબ્દ એ ‘સંસ્કૃતિનો શબ્દ’ હોય — થાય એ માટેની સજાગતા-સભાનતા ઉમાશંકરને અવારનવાર ‘પીડતી’યે હતી; આમ છતાં સરવાળે એમનો શબ્દ કલાદૃષ્ટિએ પણ આકર્ષક અને ગૌરવાન્વિત રહી શક્યો એ મોટી બાબત છે. ઉમાશંકરની કવિ તરીકેની શ્રદ્ધા શબ્દમાં અને તદનુષંગે શબ્દ જે જે સંદર્ભોના સંકેતરૂપ હોય છે તે સંદર્ભસમસ્તમાં સ્થિરપદ હોવાથી જ તેઓ શબ્દની પાસેથી પ્રમાણમાં વિવિધ પ્રકારનું અને વિવિધ રીતનું કામ લઈ શક્યા. ઉમાશંકરે ભલે નાના ચોખલિયા ખેતરમાં એમની ખેડ ચલાવી પણ એમની નજર તો આકાશ તરફ પણ રહેલી. પોતે મહાકાવ્ય કે મહાનવલ ભલે ન આપી શક્યા, પણ ‘મહાનતા’નું એક સતત આકર્ષણ તેઓ અનુભવતા રહ્યા ને એમાં એમનો પડકારને ઝીલવાનો સાહસરસ જ પોષાતો હોવાનું આપણને તો લાગ્યું છે. ઉમાશંકર શ્રદ્ધાપૂર્વક શબ્દની આંગળી ઝાલી, પરંતુ સતત સમજ્યે જવાની ને સમજાવ્યે જવાની સ્પૃહાયે રાખ્યા કરી. પરિણામે એમનો શબ્દ શ્રદ્ધાથી ખીલ્યો, પણ ફળ્યો વધુ તો સમજમાં. એમનો શબ્દ મૂળભૂત રીતે કાવ્યનો શબ્દ હોઈ સ્નેહરસે સૌને બાંધવામાં (૧૭૩)–(૧૭૩) એકાકૃતિ થવામાં કે અનેકતામાંથી એકતાના નિર્માણમાં વધુ સક્રિય રહેલો જણાય છે. ઉમાશંકર પોતેય એકલતાને મૌનભાવે જીરવવામાં ને એકતાને મુખરભાવે વધાવવામાં ક્યાં નહોતા માનતા ? ઉમાશંકરની જીવન-શ્રદ્ધા અને શબ્દ-શ્રદ્ધા વચ્ચે અંતર લાગે પણ ઊંડાણથી જોતાં એમાં એકરૂપતા પ્રતીત થાય છે. કવિ એટલે જ વિશ્વમાનવી. ઉમાશંકરની કાવ્યયાત્રા એ વિશ્વમાનવ્યની ઉપલબ્ધિની સાધનારૂપ યાત્રા હોઈ એમને પોતાના અહંભાવ – અસ્મિભાવ સામેય મોરચો માંડવો પડ્યો છે. એ મોરચામાં ઉમાશંકર પોતાને ખોઈ દે એવું ઓછું બને છે અને તેથી એની અવેજીમાં પોતાને વિસ્તારવાના સભાન પ્રયત્નોમાં એ ફરી ફરીને વળતા હોય છે. આ પ્રયત્નોની નિષ્ફળતા કઠતી લાગે, પણ એ પ્રયત્નોની નિષ્ઠા તો આવકાર્ય રહે જ છે. કોઈ સુભગ ક્ષણે ‘અહો હું !’ ઉદ્ગારતા ઉમાશંકર પોતાના હુંને ચરણ તળે ચાંપવાનું વામનકાર્ય કરવાનેય ઉદ્યત જણાય ને ત્યારે એમની કવિકર્મદ્યુતિનું શાંત છતાં સ્થિરતાયુક્ત એવું હૃદયંગમ દર્શન થાય છે. ઉમાશંકરની સત્ત્વલક્ષિતા શબ્દનું સતત ઉન્નયન અને ઉડ્ડયન વાંછે છે અને તેથી જ ઉમાશંકર ‘વિશ્વશાંતિ’ની શોધ કરતાં કરતાં ‘સપ્તપદી’માં છેવટે ‘ક્યાં છે કવિતા ?’ કહેતાં સકળ કવિતાનીયે જે કવિતા તેની શોધ સુધી પહોંચી શક્યા. ઉમાશંકરે ૧૯૨૮માં આબુ પાસેથી કાવ્યદીક્ષા મેળવેલી. એ કાવ્યસાધના છ દાયકા અવિરત ચાલી. એકાંકી ટૂંકી વાર્તા, નવલકથા જેવાં કાવ્યસ્વરૂપોમાં તો એમની કલમે પછી લગભગ છેવટ સુધી વરસોનો વિસામો ભોગવ્યો. એ પરિસ્થિતિમાં એમના શબ્દની ભલે થોડી નિકટતાથી પણ એક તસવીર લઈ જોવામાં કશું ખોટું નથી. ‘નિશીથ’ની સત્ત્વપ્રતિષ્ઠા, ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ની પ્રયોગસિદ્ધિ ‘શાકુંતલ’ અને ‘ઉત્તરરામચરિત’ના અનુવાદોમાંનું રસિક પાંડિત્ય, ‘અભિજ્ઞા’-‘સપ્તપદી’માંની આત્મલક્ષી કવિતાનું ખમીર, એમની ‘સાપના ભારા’માં પ્રકટતી વાસ્તવલક્ષિતા ને ‘ગોષ્ઠી’માં પ્રકટતી સંવાદપ્રીતિ, વિવિધ રીતે ગદ્ય-પદ્યમાં પ્રતીત થતી એમની ધર્મસાધના ને માનવ્યસાધનાની તેજસ્વિતા, વિવેચનોમાં પ્રકટતી એમની સ્વસ્થ રસિકતા અને સમાનધર્માની સૌહાર્દનિષ્ઠા, એમની ‘સંસ્કૃતિ’-પરાયણતા, — આ સર્વના અંદાજ સાથે એમના શબ્દનો વિચાર કરતાં એ શબ્દની સંસ્કારદીપ્તિ અને સત્ત્વસમૃદ્ધિ, એની રસોજ્જ્વલતા તથા સૌન્દર્યવિધાયકતા જરૂર પ્રતીત થાય છે. ઉમાશંકરની શબ્દસેવાનો વિચાર કરતાં, શબ્દ દ્વારા એમનું જે ‘પ્રચંડ મનોઘટનાશાલી વ્યક્તિત્વ’ આવિષ્કૃત થાય છે તેનીયે આપણે નોંધ લેવી જોઈએ. એમનો સાહિત્યક્ષેત્રે પ્રવેશ – એમની કામગીરી એ સ્પષ્ટ રીતે આપણા ગુજરાતી સાહિત્યની એક મહત્ત્વની ઘટના હતી. ઉમાશંકરે શબ્દને ઘડતાં ઘડતાં સમાજને ઘડવાનુંયે જો થઈ શકે તો તે ટાળ્યું નથી; પરંતુ શબ્દને ભોગે સમાજઘડતરમાં એ પડ્યા નથી. તેઓ જેમ શબ્દને ઘડતા ગયા તેમ તેમ શબ્દે એમનું પણ ઘડતર કર્યું. શબ્દનો સ્વાદ જે નાનપણથી વળગ્યો એ સ્વાદ જ મોટપણે એક બહુમુખી પ્રતિભાવાળા સાહિત્યસર્જક તરીકે એમને પ્રતિષ્ઠિત કરવામાં મૂળભૂત કારણ બન્યો. એક શબ્દ સમ્યક રીતે શિખાતાં, સમ્યક રીતે પ્રયોજાતાં સ્વર્ગલોકમાં કામધેનુરૂપ થાય કે નહિ એની તો ખબર પડે ત્યારે પડે, પણ ઇહલોકમાં તો કામધેનુરૂપ થતો અનેક દૃષ્ટાતોમાં જોયો છે. ઉમાશંકર પણ એ દૃષ્ટાંતોમાંનું એક ઊજળું દૃષ્ટાંત છે. ઉમાશંકરનું ગુજરાતી સાહિત્યને પ્રદાન એવી ગુણવત્તાવાળું, એવી ઐતિહાસિક મૂલ્યવત્તાવાળું છે કે આજે એમની કાવ્યસાધનાનો યથાશક્તિ સમર્પેલ આ અધ્યયન-અર્ઘ્ય વિદ્વજ્જનોને સમયોચિત અને થોડોકે તોષપ્રદ જણાશે તો મને મારો પરિશ્રમ કંઈક સાર્થક થયાનો આનંદ થશે. इति अलम्



* * *