ઋણાનુબંધ/પિંજરું
પિંજરું
લટકતા બટકું રોટલાની લાલચે
પિંજરામાં સપડાઈ ગયેલા
અગણ્ય ઉંદરો
આપણે બહાર—આપણે અંદર.
આ કુટુંબકબીલા
ફરજિયાત નોકરી
સમૃદ્ધિને જરૂરિયાત બનાવી
એને પોષવામાં પ્રતિદિન પ્રાપ્ત થતું રંકત્વ
આપણી બહાર જવાની અશક્તિ
આપણી અંદર રહેલી નિરાંત
છતાં (સૃષ્ટિમાં સૂર્ય છે તોય)
પ્રલંબ રાત્રિના
પાંજરામાં આપણી દોડાદોડી
ઉત્તરથી દક્ષિણ ધ્રુવ લગીની લંબાઈની—
બટક બટક રોટલો ખવાઈ ગયો છે તોય
ને નાનકડું બારણું ખુલ્લું છે તોય
કોઈ બહાર નીકળતું નથી!
આપણે બહાર—આપણે અંદર!