ઋણાનુબંધ/સાંધણ

સાંધણ


નાની હતી
ત્યારે
રમતાં રમતાં
ફ્રોક ફાટી જાય
તો દોડીને
બા પાસે લઈ જાઉં:
‘જરા, સાંધી આપોને.’
‘તું ક્યારે શીખીશ સાંધતાં? લે, દોરો પરોવી આપ.’
હું દોરો પરોવી આપતી.
બા ફટાફટ ફ્રોક સાંધી આપતાં.

મારી ફ્રોક પહેરવાની ઉંમરને વરસો વહી ગયાં
અને, બા પણ હવે નથી રહ્યાં.
હવે
ઘણું બધું ફાટી ગયું છે.
ઘણું બધું ઉતરડાઈ ગયું છે.
સોય-દોરો સામે છે.
ચશ્માં પહેરેલાં છે
પણ દોરો પરોવાતો નથી.

કોણ જાણે ક્યારે
સાંધી શકાશે
આ બધું?