ઋણાનુબંધ/હોમસિકનેસ

હોમસિકનેસ


મેં tropical છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે ત્યારે
મારું મન કેસૂડે મોહે છે
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું…
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી!
આષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.

હું homesick થઈ ગઈ છું.
થાય છે
બધું ઉઠાવીને ઘેર જાઉં
પણ…
હવે મારું ઘર ક્યાં?