ઋણાનુબંધ/૬. દિલીપ વિ. ચિત્રે — એક સવાયા ગુજરાતી

૬. દિલીપ વિ. ચિત્રે — એક સવાયા ગુજરાતી


ગુજરાતને સદ્ભાગ્યે એને લાંબો દરિયાકાંઠો મળ્યો છે. એ કારણે ગુજરાતીઓ અન્ય પ્રજાઓ અને એમની સંસ્કૃતિ અને ભાષાના પરિચયમાં આવ્યા, એટલું જ નહીં પણ આપણે એમને ઉદાર દિલે આવકાર્યા, અને આપણા બનાવ્યા. આ કારણે ગુજરાત સમૃદ્ધ જ થયું છે. જે રીતે આપણે વિદેશીઓને આવકાર્યા છે તેવું જ દેશની જુદી જુદી પ્રજા અને એમની ભાષાનું. દેશની અનેક ભાષાઓમાં બંગાળી અને મરાઠી સાથે આપણો નાતો મોટો. આ બે ભાષાઓના કંઈક ગ્રંથોના આપણે ત્યાં સુંદર અનુવાદ થયા છે. જે સહજતાથી શિક્ષિત ગુજરાતી વાચક રમણલાલ દેસાઈ કે કનૈયાલાલ મુનશીનાં નામ બોલે છે તે જ રીતે તે શરદબાબુ, રવીન્દ્રનાથ, ખાંડેકર અને સાને ગુરુજીનાં નામ પણ બોલી શકે છે. આપણને નગીનદાસ પારેખ અને ગોપાળરાવ વિદ્વાન્સ જેવા સમર્થ અનુવાદકો મળ્યા જેમણે બંગાળી અને મરાઠી ભાષાનો સમૃદ્ધ ખજાનો ખોલી આપ્યો.

મરાઠીઓ સાથે આપણો સંબંધ વિશેષ ગાઢ થયો એનું એક કારણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. એમણે ગુજરાતના, ખાસ કરીને વડોદરાના, સાંસ્કૃતિક જીવનમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. એમને કારણે અનેક મરાઠીઓ વડોદરામાં આવીને સવાયા ગુજરાતી થઈને વસ્યા અને જેમણે ગુજરાતી ભાષાને પોતાની કરી લીધી. ગાંધીજીને કારણે કાકા કાલેલકર જેવા મરાઠીઓ પણ ગુજરાતમાં આવીને વસ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્યમાં અમૂલું અર્પણ કર્યું. ગયે મહિને જેમનું દુઃખદ અવસાન થયું તે દિલીપ ચિત્રે આ પરંપરાના સવાયા ગુજરાતી જેવા મરાઠી સાહિત્યકાર હતા. ઊંચી કક્ષાના કવિ અને નાટ્યકાર તો ખરા જ, પણ સાથે સાથે સુજ્ઞ વિવેચક, અનુવાદક અને સાહિત્યિક મંડળોના સંસ્થાપક પણ ખરા. આ દૃષ્ટિએ દિલીપભાઈ શિષ્ટ સાહિત્યના પ્રહરી હતા. અમેરિકામાં મરાઠી સાહિત્ય માત્ર જીવતું જ નહીં, પણ ધબકતું રહ્યું હોય તો ભાઈશ્રી દિલીપને કારણે જ.

મારો અને દિલીપનો નાતો બંધાયો હોય તો કવિતાને કારણે. એ પોતે વ્યવસાયે તો આર્કિટેક્ટ પણ એમનો જીવ કવિનો. અને તે પણ ઉદારદિલ કવિનો. કયા કવિની કે કઈ ભાષાની કવિતા છે, તેનો વિચાર કર્યા વગર એ કાવ્યતત્ત્વ અને કવિકર્મને માણી જાણતા. મારી કવિતામાં એમણે પહેલેથી જ રસ લીધો હતો. જ્યારે જ્યારે એમને મળવાનું થતું, ત્યારે કવિતાની વાત તો થાય જ, પણ મારી કવિતાની શી વિશેષતા છે, તે મને જ સમજાવે! મને કહેતા કે “હું નિવૃત્ત થઈશ ત્યારે તમારી કવિતાનો મરાઠીમાં અનુવાદ કરીશ અને મરાઠી સાહિત્યમાં એક અનોખું પ્રદાન કરીશ.”

અને એમના બોલ મુજબ જ થયું. જેવા એ નિવૃત્ત થઈને ફ્લોરિડામાં જઈને સ્થાયી થયા કે તરત જ તેમનો સંદેશો આવ્યો. “તમારી કવિતાનું કામ ઉપાડ્યું છે. આવો, સાથે બેસીએ. મને સમજાવો કે આ કે પેલી કવિતામાં તમે શું કહેવા ધાર્યું હતું.” હું ગઈ. એમના સંસ્કારી અને ખુદ સાહિત્યકાર પત્ની શોભાએ ઉદારદિલે મારું સ્વાગત કર્યું. અમે પછી એક અઠવાડિયા સુધી કવિતા, બસ કવિતાની જ વાતો કરી. એકેએક શબ્દ પકડે, અનેક મરાઠી પર્યાય શોધે, મને પૂછે, “કયો શબ્દ યોગ્ય છે?” એમના ઘણા અનુવાદો એટલા તો સરસ થયા છે કે મારી મૂળ કવિતા કરતા એમના અનુવાદ સારા, એવું કહેતા મને જરાયે સંકોચ થતો નથી. આખરે મારી ચૂંટેલી કવિતાનો અનુવાદગ્રંથ बहिष्कार નામે પ્રગટ થયો. મુંબઈમાં ધામધૂમથી એનો કાર્યક્રમ પણ થયો. દુર્ભાગ્યે હું મુંબઈ ન જઈ શકી, પણ જે ચીવટથી દિલીપે અનુવાદ કર્યા હતા, તે જ ચીવટથી એણે કાર્યક્રમની પણ વ્યવસ્થા કરી હતી.

આજે દિલીપ નથી, ત્યારે હું बहिष्कार લઈને બેઠી છું. આ સુંદર પુસ્તકનાં પાનાંઓ ફેરવું છું, અને મને દિલીપનો રણકારભર્યો અવાજ સંભળાય છે: “જુઓ આ શબ્દ અહીં બરાબર નથી, બીજી આવૃત્તિમાં એ સુધારી લઈશું!” “હવે તો એ છૂટેલું તીર છે, એની ચિંતા શું કરવી?” એવું દિલીપ કોઈ દિવસ માને કે? આજે દિલીપ નથી એ જ મનાતું નથી. એમની યાદ આવતાં મારી આંખ ભીની થાય છે.

દિલીપ જેવા સુજ્ઞ અને સવાયા ગુજરાતીનો મને પરિચય થયો એટલું જ નહીં, પણ એમના જેવા સૂક્ષ્મ કાવ્યસૂઝવાળા સક્ષમ કવિને હાથે મારી કવિતાનો મરાઠીમાં અનુવાદ થયો એ મારું મોટું સદ્ભાગ્ય હતું. એમની મિત્ર હોવાની ધન્યતા અનુભવું છું.