એકોત્તરશતી/૫. વ્યક્ત પ્રેમ


૫. વ્યક્ત પ્રેમ


તો પછી શાને લજ્જાનું આવરણ કાઢી લીધું? હૃદયનાં દ્વાર ખખડાવીને બહાર ખેંચી લાવ્યો ને અંતે શું રસ્તામાં ત્યાગ કરશે?

હું મારા પોતાના અંતરમાં એકલી હતી. સંસારમાં સેંકડો કામમાં સૌની વચમાં જેમ બધાં હતાં તેમ હું પણ હતી.

પૂજાનાં ફૂલ ચૂંટવા જ્યારે જતી—તે છાંયાવાળો રસ્તો, તે લતાભરી વાડ, સરોવરને તીરે આવેલું તે કરેણનું વન—શિરીષની ડાળ ઉપર ટહૂકતી તે કોયલ, ત્યારે સવારમાં સખીઓનો મેળો જામતો, કેટકેટલું હાસ્ય કેટકેટલી રમત; કોને ખબર હતી કે આ પ્રાણની પાછળ શું હતું!

વસંતમાં વનમાં મોગરાનાં ફૂલ ખીલી ઊઠતાં, કોઈ માળા પહેરતી, કોઈ છાબ ભરતી, અને દક્ષિણાનિલ અંચલને ફડફડાવતો.

વર્ષાઋતુમાં ઘનઘટા વીજળી ચમકાવે છે, વગડાને છેવાડે મેઘ અને વન એક થઈ ભળી જતાં, જૂઈનાં ફૂલ સાંજને વખતે ખીલતાં.

વર્ષ આવે છે તે વર્ષ જાય છે, ઘરકામ કરું છું—સુખદુઃખનો ભાગ લઈને પ્રત્યેક દિવસ વહી જાય છે, ગુપ્ત સ્વપ્નોમાં રાત્રિ વીતી જાય છે.

છુપાવેલો પ્રાણનો પ્રેમ કેટલો પવિત્ર છે! અંધારા હૃદયને તળિયે રત્નની પેઠે ઝળહળે છે. પ્રકાશમાં કલંકની પેઠે કાળો દેખાય છે.

છી, છી, તેં નારીનું હૃદય ફોડીને જોયું. લાજ અને ભયથી થરથરતો બીકણ પ્રેમ—તેની સંતાવાની જગ્યા તેં ખૂંચવી લીધી, નિર્દય!

આજે પણ તે જ વસંત અને શરદ આવે છે. વાંકી ચંપાની ડાળે સોનેરી ફૂલ ફૂટયાં હોય છે, તે જ છાયામાર્ગે આવીને તે જ સખીઓ એ ચૂંટે છે.

બધાં જ જેવાં હતાં તેવાં અવિકલ છે; તે જ પ્રમાણે તેઓ રડે છે, હસે છે, કામ કરે છે, પ્રેમ કરે છે, પૂજા કરે છે, દીપ સળગાવે છે, પાણી ભરી લાવે છે.

તેના પ્રાણમાં કોઈએ ડોકિયુ ન કર્યું, હૃદયનું ગુપ્ત ગૃહ કોઈએ ફોડીને ન જોયું, પોતાનો મર્મ તે પોતે જ જાણતી નથી.

હું આજે તૂટેલું ફૂલ છું. રસ્તા ઉપર પડ્યું છું. પલ્લવનું ચકચકતું છાયાસ્નિગ્ધ આવરણ ત્યાગીને હું હાય ધૂળમાં આળોટું છું.

જરૂર મારા દુઃખનો સમદુઃખી પ્રેમ વડે જતનપૂર્વક સદા માટે આડશ રચી દેશે એ આશાએ મેં પ્રાણ ખુલ્લા કર્યા હતા.

હે સખા, આજ શા માટે મોં ફેરવે છે! ભૂલથી આવ્યો હતો? ભૂલથી પ્રેમ કર્યો હતો? ભૂલ ભાંગી ગઈ છે એટલે ચાલ્યો જાય છે?

તું તો આજ નહિ ને કાલ પાછો જશે, પણ મારે માટે પાછા જવાનો હવે માર્ગ તેં રાખ્યો નથી. કારણ મારા પ્રાણની આડશ તેં ધૂળ ભેગી કરી દીધી છે.

આ તે કેવી ભયંકર ભૂલ, આખા જગતમાં સેંકડો પ્રાણોને છોડીને શા માટે ભૂલથી આ અભાગિની રમણીના ગોપન હૃદયમાં તું આવ્યો?

વિચારી જો, મને તું ક્યાં લઈ આવ્યો છે—કરોડો આંખોથી ભરેલી કૌતુકથી કઠિન બનેલી દુનિયા મારા ખુલ્લા કલંક સામે જોઈ રહેશે.

પ્રેમ પણ જો તું આખરે પાછો લઈ લેવાનો હોય તો તેં મારી લજ્જા શા માટે ખૂંચવી લીધી; શા માટે વિશાળ સંસારમાં મને એકલી નવસ્રી છોડી દીધી! ૨૪ મે ૧૮૮૮ ‘માનસી’

(અનુ. નગીનદાસ પારેખ)