કંદમૂળ/અનુસંધાન
એક દિવસ
હું તાબે થઈ જઈશ
મારા શરીરની વેદનાને.
હું જોઈ રહીશ શરીરને મનથી અલગ થતું
અને પછી કદાચ મને ગમવા માંડશે
થાક, પીડા, કળતર
અને મસ્તિષ્કની એ મૂંઝવણ.
હું નહીં હોઉં ક્યાંય
અને હું ભોગવી રહી હોઈશ યાતના.
સૌને લાગશે કે હું બેહોશ છું
પણ, હું જોઈ રહી હોઈશ મારા શરીરના ટુકડા થતા.
શરીરના એ ભાગ,
ફરી સંધાય કે ન સંધાય,
શું ફરક પડે છે?
શરીરથી વિખૂટા પડેલા મનને
નથી કોઈ અનુસંધાન હવે.
રંગબેરંગી દોરા લઈને
સાંધો મારા શરીરને.
આ પારાવાર પીડાને
રંગો કોઈ તાજગીભર્યા રંગે.
શૂન્યમનસ્ક થયેલા અવયવોમાં
ચેતનાના ફુગ્ગા ઉડાડો.
ઉછીનો અવાજ લાવો,
ને માત્ર ચાંદની રાતના અજવાળામાં
સોયમાં દોરો પરોવતી હતી હું,
એ મારી નજર પણ પાછી લાવો.
હું તૈયાર છું,
ફરી જીવવા માટે.