કંદરા/બુકાની

બુકાની

એક મધરાતે એણે જોરથી સાંકળ ખખડાવી.
મેં કંઈ જ સમજ્યા વગર બારણું ખોલી નાખ્યું.
અને આમ મોઢા પર બુકાની બાંધીને આવેલા
એ માણસને મેં આશરો આપ્યો, મારા ઘરમાં,
એની આંખો, એના હોઠ, એનો અવાજ,
હું એનું કંઈ જ નથી ઓળખતી.
અને એટલે જ મને એનામાં ઘણું બધું સામ્ય લાગ્યું,
મારા હમણાં જ છૂટા પડેલા પ્રેમી જેવું.
એણે ક્યાંક ચોરી કરી હશે કે કોઈનું ખૂન કર્યું હશે,
મારા માટે એ બધું ગૌણ છે.
મને તો માત્ર એક જ વસ્તુ ઉત્તેજિત કરે છે
અને તે એ કે હું એનું કંઈ જ નથી ઓળખતી.
એની ઝંઝાવાતમાં ફસાયેલી હોડીમાં મારે નથી ઊભા રહેવું
શાંત, સ્વસ્થ તોરલ બનીને.
હું તો અત્યારે જ એના તરફ ખસું છું એક તલ જેટલી
અને એ પણ મારી પાસે આવે છે એક જવ જેટલો.
ત્યાં જ ફરી બારણે ટકોરા પડે છે.
હું જવાબ આપવા જઉં છું કે અહીં કોઈ જ નથી આવ્યું.
અને આમ પણ એ તો ચાલ્યો જ ગયો છે ને,
પાછલે બારણેથી!
મને ઘણી વખત એની યાદ આવે છે.
મધ્યાહ્ને તપતા સૂરજ નીચે એ ક્યાં છૂપાતો ફરતો હશે?
તારલાઓ ભરી કોઈક સુંદર રાત્રિએ
એની ઓળખ છતી તો થઈ જ જતી હશે ને?
કોઈક સ્થળે, કોઈક અજાયબ અગાશીએ?

એ અગાશી પર પોતાની ડાળખીઓ પસારતા
શેતૂરનો ધીમો ધીમો અવાજ
સ્પંદિત કરે છે, મારા શરીરની રગોને.
હું તકિયામાં મોઢું છૂપાવી સૂઈ જઉં છું.
અને સવારમાં ઊઠીને મારા કાનના પડદા
સાબુથી ઘસીને સાફ કરી લઉં છું.
છતાં આજે ફરી
દૂર દૂરની કોતરોમાં અથડાઈને
પાછો ફર્યો છે એ અવાજ —
સાંકળનો. શેતૂરનો. ચોરીનો. ખૂનનો.