કંદરા/ખલાસી
ખલાસી ધીમેથી લંગરો છોડે છે.
અને એમ વહાણ ઊપડે છે.
એ કામ કરે છે પણ થોડી થોડી વારે
એને યાદ આવ્યા કરે છે
વહાણના નીચેના ભાગમાં ફીટ કરેલો મોટો છરો.
એ સાચે જ ગભરાયેલો છે, વહાણના વેગથી
અને પાણીમાં સરકતા જતા એ છરાથી.
જુદા જુદા બંદરે વહાણ ઊભે છે,
મોટા મોટા ક્રેન ઊંચકાય અને અનાજ, લોખંડ,
થોડીક નવી છોકરીઓ લઈને આગળ વધે.
રાત પડી, ખડકથી અથડાતાં સહેજમાં બચી જવાયું.
સૌ ભેગા મળી ગયા. માછલીઓ શેકાઈ.
પણ, વહાણની નીચેના છરામાં
કોઈ વ્હેલ પણ કપાતી ગઈ.
ખલાસી બરાડી ઊઠ્યો, જાગો! જાગો!
પણ, બધા ભરપેટ, મીઠી ઊંઘમાં હતા.
અંતે સવારે દરિયામાં તોફાન આવ્યું.
આખું ને આખું વહાણ સરકતું ગયું નીચે.
આખું પાણીનું ભરેલું.
છરો ખૂંપી ગયો તળિયે
અને એની આસપાસ પછી
વ્હેલ માછલીઓ ફર્યા કરતી હતી.
વહાણની અંદર જાય, ઉપર ઊભે,
છરા પર જામેલું લોહી જુએ.
અને મોટો, ચળકતો છરો પડી રહે ખૂંપેલો
દરિયાના તળિયે.
❏