કંદરા/મેખલા

મેખલા

મારી પાસે પણ એક કોડિયું છે.
જેની રોશનીમાં મને દેખાય છે, આખું યે બગદાદ.
ચારે તરફ બ્લેક-આઉટ અને
અને ઉપર ફરતાં અમેરીકી વિમાનો.
જાદુઈ સાદડીના ચીરા, સંતાઈ ગયેલો જીન,
અલીબાબાનાં ગધેડાં,
ગુફાઓ આડેથી હટતા મોટા મોટા પથ્થરો,
ખણખણતી અશરફીઓ, મરજીનાની આંખોની ચમક
અને પેલા તણખા ઝરતા બૉમ્બ.
અખાતમાં તેલના કૂવાઓ હજી સળગ્યા કરે છે.
અને જીવતી રહે છે પંચતંત્રની વાર્તાઓ.
રાજકુમારીના રૂપથી દિગ્મૂઢ થઈ ગયેલો
એક બરછટ, ગાંડો રાક્ષસ —
         માણસ ગંધાય - માણસ ખાઉં
         માણસ ગંધાય - માણસ ખાઉં
પણ રાજકુમાર તો પહોંચી ગયો છે,
આકાશથીયે ઊંચા એ ઝાડ પર, રાક્ષસના જીવ સુધી.
નીચે એ ઝાડ કાપી નાખવા મથે છે રાક્ષસ.
કૂવામાં પડી જાય છે સિંહ.
ચંદ્ર પર ઉતરાણ કરે છે નચિકેતા.
લાકડાના ઘોડાથી રમે છે લવ-કુશ.
કામધેનુ બંધાયેલી છે ઋષિના આશ્રમમાં.
પાર્વતીને ડંખે છે એના શરીર પરની મેખલા.
ઝૂંપડામાં રહે છે રાજાની એક અણમાનીતી રાણી.
ભયભીત થઈ જાય છે યશોદા

કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ જોઈને.
મકાન બાંધતા જમીનમાંથી નીકળે છે ચરુ.
તલનો લાડુ ખાતાં જીભ કચરાઈ જાય છે
ગુપ્તદાનના એક પૈસાથી
બરાબર એમ જ, જેમ કોઈ સ્વયંવરમાં
કોઈ રાજાનું અપમાન થયું હોય !
ફરી મારે કોડિયામાં થોડુંક તેલ રેડવાનું છે...