કંસારા બજાર/માછીમારોને

માછીમારોને

હું જાણું છું, મિત્રો,
કે સૂરજ ઊગે અને આથમે છે ત્યારે
દરિયો માત્ર એક પશ્ચાદભૂ હોય છે.
દરિયાદેવ પાસે તમે વધેરેલા નારિયેળના પાણીની
આ ધસમસતા મોજાં સામે શી વિસાત?
સુસવાટા મારતા દરિયાઈ પવનને
પાણી પર દોરેલી સરહદની લીટી ન દેખાય
એ તમારો ગુનો નથી.
પણ તમારી વાર્તાઓમાં
દરિયાને ખલનાયક કહેવાનો નિષેધ છે.
દરિયાપારની જેલના અધિકારીઓ
તમને કોઈક સજા સંભળાવે છે,
એમની ધર્માંધ બોલીમાં,
દરિયો તો વર્ષોથી એ સજા કાપી રહ્યો છે.
પાણી અને પવન વહેંચાઈ ગયા પછી
દરિયા પાસે
હવે રઘવાટ સિવાય રહ્યું છે શું?
ચારે તરફ પાણી અને આસપાસ
માણસનો એક દીકરો નહીં.
જેલમાં રહીને તમે
ઊલેચો દરિયાને,
એને નથી દિવસ કે રાતનું ભાન.
બહાર સૂરજ ઊગે કે આથમે
દરિયો માત્ર એક પશ્ષાદ્ભૂ છે.
એની પૃષ્ઠભૂમિમાં ડૂબી ગયેલી જેલ,
સ્થળ-સમયથી પર છે.
આ કારાવાસ અનાયાસ છે.
તમે તો દરિયાના દેશના.
જેલને હલેસું બનાવીને નીકળી પડો.
ખૂંદી વળો રઘવાટને.
દરિયો આપમેળે શાંત થઈ જશે.