કંસારા બજાર/વ્હાણના સઢ
વ્હાણોનો કાફલો ડૂબી ગયો છે દરિયામાં
પણ બચી ગયા છે સઢ.
આ સફેદ સઢ
ક્યારેક કણસે હૉસ્પિટલમાં પડેલા
દર્દીની ચાદર જેમ,
તો ક્યારેક હોય, શાંત,
મૃત શરીર પર ઓઢાડેલી ચાદર જેવા.
સઢ ઘણીવાર પંખી થઈને રાહ જુએ છે વ્હાણોની.
વ્હાણના આગમન વખતે
આગળ આગળ ઊડતા આવે છે
અને બંદર પર વેરાતા અનાજના દાણા ચણે છે.
બંદર પર બધાને ખબર છે કે
દરિયાના પાણી નહીં ડૂબાડી શકે આ સઢને.
સઢમાં પવન ભરી
તેની ગાંસડીઓ બનાવી
સઢને નાખી દેવાય છે વ્હાણના ભંડકિયામાં
મધદરિયે પવન ભરેલી ગાંસડીઓ ખુલી જાય છે
અને સઢ દોરી જાય છે વ્હાણોને,
ફરી એક વાર
તોફાન તરફ.