કમલ વોરાનાં કાવ્યો/21 રસ્તો ઓળંગી જવા માટે
રસ્તો ઓળંગી જવા માટે
એ દંપતી
એકમેકના હાથ ઝાલીને
ડાબેજમણે જોયા કરતું ક્યારનુંય ઊભું છે
ડગલું માંડવું કે ઊભા રહેવું
એ નક્કી જ થઈ શકતું નથી
સપાટાબંધ દોડ્યે જતાં વાહનો વચ્ચેથી
સામે પાર પહોંચાશે કે કેમ
તેની ભારે મૂંઝવણ છે
પગ ઉપાડવા જાય ત્યાં તો
હથેળીઓ સજ્જડ ભિડાઈ જઈ
એમને પાછળ ખેંચી લે છે
આમ ને આમ ઊભાં ઊભાં
એમનાં ગાત્રો ઢીલાં થઈ રહ્યાં છે
મોઢાં સુકાઈ રહ્યાં છે
શરી૨ આખામાં ધ્રુજારી થઈ રહી છે
રુવાંટાં ઊભાં થઈ ગયાં છે
હાથમાંથી હાથ હળવેથી સરી રહ્યા છે
ચામડી બળી રહી છે
મન ભમી રહ્યું છે અને
એમનાથી હવે ઊભા રહેવાય એમ નથી
રસ્તો પાર કરવાનું માંડી વાળી
એ બન્ને
ક્યાંક એક તરફ આઘે
બેસી જવા માટે
થોડી અમથી જગા શોધતાં
ભીડમાં અટવાઈ ગયાં છે