કવિલોકમાં/શબ્દસૂચિ


કેટલાક અભિપ્રાયો

આસ્વાદ અષ્ટાદશી

સર્જક-પ્રતિભાના ભાષાકીય ઉન્મેષોને કળવા-કળાવવામાં તમારી ભાવયિત્રી પ્રતિભાની સક્રિયતાનું સવ્યસાચી સ્વરૂપી મૂર્ત થયું છે. મધ્યકાલીન-અર્વાચીન અને આધુનિક કાવ્યવિશેષોને લીલયા છતાં વસ્તુલક્ષિતાના અભિગમ દ્વારા ઉદ્ઘાટિત કરવામાં નિઃશેષ સફળતા પ્રાપ્ત થઈ છે.

સુભાષ દવે
(તા.૨૮-૧૧-૯૧નો પત્ર)

તમારી ભાષા, એનો વૈભવ, એનો વિનિમયવિવેક, વસ્તુનો પરામર્શ કરવાની સૂઝ-સમજ, એને અભિવ્યક્ત કરતી અભિનવરીતિ, તત્ત્વના હાર્દને પામવાની તારતમ્યબુદ્ધિ ને રસાસ્વાંદ કરાવવાની આગવી શૈલી - કોઈ વિદગ્ધ પંડિત કરતાં સર્જક-કવિની લાગી.

રણજિત પટેલ ‘અનામી’
(તા.૨૬-૧૨-૯૧નો પત્ર)

તમે કાવ્યનાં આંતર-બાહ્ય રૂપોનાં દલેદલ ખુલ્લાં કરી બતાવી, તેમનું મોહક સૌંદર્ય બતાવ્યું છે, તેથી આસ્વાદમૂલક આ વિવેચનો અશેષ બન્યાં છે.

જશવંત શેખડીવાળા
(તા.૧-૨-૯૨નો પત્ર)

મોટા ભાગનાં કાવ્યો જાણીતાં હોવા છતાં આસ્વાદલેખો વાંચતાં તેનો નૂતન પરિચય થતો હોય તેવું અનુભવાય છે. સ્થળેસ્થળે થયેલો આત્મલક્ષિતાનો વિનિયોગ કાવ્યના આસ્વાદમાં સહજતા, માર્મિકતા અને આત્મીયતાનો ઉમેરો કરી આપે છે.

ગંભીરસિંહ ગોહિલ
(તા.૩૧-૧-૯૨નો પત્ર)

કવિતા કે સર્જન કઈ રીતે માણી શકાય એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તમે મૂક્યું છે. તમને હું વિવેચક નથી કહેતો પણ સહૃદય કહું છું.

અનિલ જોશી
(તા.૬-૨-૯૨નો પત્ર)

વાંકદેખાં વિવેચનો

‘અનાર્યનાં અડપલાં’ પછી એક ચોખ્ખી બોલીનું વિવેચન આવ્યું છે.

રતિલાલ અનિલ
(તા.૨૯-૨-૯૪નો પત્ર)

પરિભાષારહિત એવી તળગામી સમજ ઊભી કરી આપવાની એમની સાદગી સરાહનીય છે. સમીક્ષાનો એક સમાદર્શ આ પુસ્તક ખડો કરી આપે છે. એમાં ‘વાંકદેખા’ નહીં પણ ‘સારદેખા’ સમીક્ષક સંશોધકની જ મુદ્રા ઊભી થતી અનુભવાય છે.

સતીશ વ્યાસ
(પરબ, એપ્રિલ, ૧૯૯૪)

તેમનાં વિધાનો અને નિરીક્ષણો સામે મતભેદ હોઈ શકે પણ જે ચોકસાઈથી અને ઝીણવટથી તેમણે આ લેખો લખ્યા છે તે કાર્ય સાહિત્યના એક આજીવન તપસ્વી અને સાચા ભેખધારીનું જ હોઈ શકે એવી દૃઢ છાપ પડ્યા વિના રહેતી નથી.

હસમુખ દોશી
(તા.૧૧-૪-૯૪નો આકાશવાણી વાર્તાલાપ)

અહીં કૃતિના સીધા મુકાબલા દરમિયાન વિવેચકને નડતા, મૂંઝવતા પ્રશ્નોની માંડણી છે. કૃતિપરીક્ષાનાં કડક ધોરણો અપનાવાયાં છે. કોઈનીયે શેહશરમમાં તણાયા વિના, અસહિષ્ણુ બન્યા વિના, સાહિત્યમાં મોટે ઉપાડે ચાલતા સંબંધશાસ્ત્ર કે સમાજશાસ્ત્રની પરવા કર્યા વિના વિવેચકને કૃતિના ભાવન દરમિયાન જે યોગ્ય લાગ્યું છે તેની જ વાત સ્પષ્ટતાથી, પોઈન્ટબ્લૅન્ક ભાષામાં થઈ છે. માત્ર દોષદર્શન કરાવવાના ઈરાદાથી જ વિવેચક કૃતિ પાસે જતા નથી. એક રસજ્ઞ ભાવકને કૃતિના વાચન સમયે કેવાંકેવાં વિઘ્નોનો સામનો કરવાનો આવે છે એની મથામણનો રસપ્રદ, વિધેયાત્મક આલેખ આ વિવેચનોમાં છે.

નીતિન મહેતા
(પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટે. ૧૯૯૪)

ગુજરાતી સાહિત્યવિવેચન

.....આ અને આવા અનેક પ્રશ્નો સાથે રજૂ થયેલ આ વિવેચનલેખોને હું સાહિત્યવિવેચનનું પ્રશ્નોપનિષદ ગણું છું અને આ પ્રશ્નોના જવાબ પૂરેપૂરા નહીં પણ અંશતઃ પણ આમાંથી મળી રહે એ હેતુથી આ પ્રકાશનને આવકારું છું.

નરેન્દ્ર પટેલ
(ગુજરાત સમાચાર, મુંબઈ આવૃત્તિ તા.૧૨-૬-૯૪)

***