કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર૦. ચક્રવ્યૂહ

ચક્રવ્યૂહ

જો તમે આવી જ ગયા છો અહીં અંદર એક વાર
તો પછી પાછા જઈ શકશો નહીં ક્યાંય અહીંથી બહાર
ભલે ને બંધ બારણે NO EXITનું બોર્ડ લાગ્યું ન હોય અંદરથી
કે પછી ભલેને કોઈ દરવાન ઊભો ન હોય હાથમાં દડૂકો લઈ બહાર દરવાજે
છતાંય એક ડગલું ભરીને જરાય જઈ ન શકાય તમારાથી
ક્યાંય ભાગી ન છુટાય એનો પૂરેપૂરો બંદોબસ્ત રાખ્યો છે અહીં અંદરોઅંદર
ઉપર મુજબની કોઈ ગોઠવણ ભલેને દેખીતી રીતે દેખાતી ન હોય બારોબાર
પણ એ તો છે તમને અંદર ને અંદર રોકી રાખવાની સુંદર સગવડ ભારોભાર
હવે આ અંદરમંદરમાં તમારે સલામ કરવી કે કુરનીશ બજાવવી
કે દંડવત્ પ્રણામ કરવા સાષ્ટાંગ કે માત્ર
બે હાથ જોડી નમસ્કાર કરવા કે હાથ ચૂમવો કે પગ પકડવો
એ તમારે નક્કી કરવાનું છે તમારી લાયકાત પ્રમાણે
યોગ્ય હોય તે વિકલ્પ પસંદ કરવા તમે સ્વતંત્ર છો
આ અંદરૂની દુનિયામાં
જો તમે સામેનાને મનગમતો વિકલ્પ પસંદ કરશો તો
તો બત્રીસે કોઠે દીવા થયા જ સમજજો ઝળહળ ઝળહળ
અને આમાંથી એક પણ વિકલ્પ પસંદ ન હોય તમને તો પછી
સામનો કરવા તૈયાર રહેજો તમે ડગલે ને પગલે
એક્કેક કોઠા તોડવા પડશે કઠણ તમારી કોઠાસૂઝથી
આમ તો સાત કોઠાય ભેદીને બહાર નીકળવું ખૂબ અઘરું હોય છે
એ જાણો છો તમે ને એય જાણો છો કે
અભિમન્યુ જેમ તમે છ કોઠાના ભેદભરમ પણ જાણતા નથી જરાય
તેમ છતાંય જ્યારે તમે આવી જ ગયા છો અંદર
મને કે કમને જાણતા કે અજાણતા ભૂલથી કે ચૂકથી કોઈ પણ રીતે
રીતભાત જાળવી જોડીને કે રીતરિવાજ તોડીફોડીને ત્યારે
તમારે દરવાજો ખટખટાવવો જ જોઈએ એટલા જોરથી એવી રીતે
કે બહાર ઊભેલા કોઈનેય લાગે કે અંદર કોઈ જરૂર ભરાયેલું છે ભીંતે.