કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર૭. પાણીનાં ગીત

પાણીનાં ગીત


એથી વધુ શું થાય ?
બસ, ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય.

તળિયાઝાટક બધી નદીયુંનાં નીર
સુકાયાં નાડીઓમાં વહેતાં રુધિર

ચારેકોર ઊભેઊભ ઝાડવાં સુકાય
ત્યારે બીજું શું થાય
માળા સૂના મૂકીને ક્યાં ઊડી જવાય ?
બસ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય.

વાદળ તો શું હવે વરસે નહીં આંખ
એવા આકરા તપે છે અહીં ચૈતરવૈશાખ

ઘર રેઢાં મૂકીને ક્યાં ભાગી શકાય
અહીં રહીનેય શું થાય
પોતપોતાનાં આંસુ પી જીવી જવાય
ક્યાં ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય ?


પાણીની જેમ
આ પાઇપમાં સૂતા છે સાપ
જરા સંભાળી, સંભાળી ઝાલજો ભઈ, આપ!

ક્યાંક સીધેસીધ સરકીને પહોંચે છે બાગ
ક્યાંક ક્યાંક ગૂંચળાઈ જુએ છે લાગ
તો ક્યાંક વળી ફુત્કારે જીભેથી આગ

પછી ભડકે ભડકા બધે તાપ તાપ તાપ
પાણીની જેમ આ પાઇપમાં સૂતા છે સાપ
જરા સંભાળી, સંભાળી ઝાલજો ભઈ, આપ!

ઝાલતા ઝબાક્ દંશ દઈ દેશે ઝટ
એનો ડંખેલો પાણી ન માંગે છેવટ
એની પાછળ ચોમાસા સાવ કોરાકટ

ભલે, માથા પર બારેમેઘ ગરજે અમાપ
પાણીની જેમ
આ પાઇપમાં સંકેલાઈ સૂતા છે સાપ
ને ગામ આખું ગારુડી જેમ જપે જાપ!


આને તે કે’ય કોઈ પાણી ?
ક્યાંક ટપકે જરાક માંડ વરસે જરાક
ક્યાંક ધસમસતું જાય જીવ તાણી.

આંખે ભરો તો વહે આખ્ખું આકાશ
અને ખોબે ભરો તો થાય ખાલી
વીરડા ગાળો તો નરી નીકળે વેકુર
અને કૂવા ગાળો તો ધૂળ ઠાલી

એની એક્કે ન કળ વરતાણી
એવાં એને તે કે’ય કોઈ પાણી ?

ધરણીયે ધખધખે એવી
કે ઓલવવા પહોંચ્યાં ઠેઠ સાતમે પતાળ
લાલઘૂમ કીડી ને કાળાભેંશ મંકોડા
ચાલે ત્યાં ઊડે વરાળ

જીવ પાણિયારે જાય જાણી જાણી
અરે, એને તે કોઈ કહે પાણી?


આમ જુઓ તો પાણી
અને તેમ જુઓ તો પથ્થર
ઓરા જઈ જુઓ તો
અધવચ રોકી રાખે અક્ષર.

અરધાં પાણી આછાં બાકી અરધાં પાણી ડ્હોળાં
આછાં પાણીમાં પડછાયા અથવા ખાંખાંખોળાં

ડ્હોળાં પાણીમાં કરવાનાં
રાતભર – દિવસભર
આમ જુઓ તો પાણી
અને તેમ જુઓ તો પથ્થર

નાના નાના પથ્થર છે પણ બહુ મોટા છે પ્હાડ
પહાડથી પથ્થર ગબડાવી દીધા હાડોહાડ

પછી હવામાં એક પછી એક
પડે ગાબડાં જબ્બર
આમ જુઓ તો પાણી ફાડી
તળિયે ડૂબ્યા પથ્થર.


છેક માથાબૂડ બૂડ બૂડ
હવે પહોંચી ગયાં છે પાણી
જે એક ’દી ભીંજવી દેતાં’તાં
એ નક્કી જશે આજ તાણી
એટલાં ઊંચે ઊંચે ઊછળી રહ્યાં છે પાણી.

બધાં પંખીની ચાંચ સાવ ખાલી
બધી માછલીની કોરીકટ આંખ
બધાં સુક્કાંભઠ જંગલનાં ઝાડ
ફૂંક મારો ત્યાં ઊડે બસ રાખ

તોય તરસની ઠીબ ના ભરાણી
એવાં તે કેવાં કોણે સુકાવ્યાં પાણી.

કેટલીયે આંખોથી તાકેલું ટપ ટપ
વરસે આકાશ ધોળે દિ’એ
કેટલાય લોક પોતપોતાના પડછાયા
ખોદીને અંધારાં પીએ

તોય ફૂટે નહિ કંઠ સરવાણી
એવાં, કાળાંડિબાણ, અહીં પાણી.

ચારેકોર ઊછળતાં મૃગજળમાં
પથ્થરની જેમ ડૂબે જાત
તળિયે પ્હોંચીને પછી જુઓ તો
આંસુના ટીપામાં દરિયાઓ સાત

એમાં ઘૂમરાતાં વહાણ જાણી જાણી
હવે અરીસા જેવાં જ બધે પાણી.


મેં માગ્યું’તું પાણી
તેને બદલે આપી વાણી.

વાદળ કૂવા સરોવર વાવ
તળાવ નદી ખાલીખમ સાવ
કેવળ શબ્દોના બબડાટો
ન એક્કે ટીપું એક્કે છાંટો

ડોલ શબ્દની કાણી
લઘરો ખેંચે દામણ તાણી
મેં માગ્યું’તું પાણી, તેને બદલે આપી વાણી.

જેમ પાણીનું પ્રેમનું તેમ
ઈશ્વરનું પણ અદ્દલ એમ
બધા ખાલી ખોટા ખખડાટો
પાંખ વિનાના સહુ ફફડાટો

બોલી પરપોટાની રાણી
એ વાત હવે સમજાણી.
મેં માગ્યું’તું પાણી તેને બદલે આપી વાણી.