કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૫. ભૂકંપ


ભૂકંપ


મૃત શિશુને

તેં હજી પગ મૂક્યો નથી
એ પહેલાં તો ધરતી ધણધણી ઊઠી છે.

મા-બાપુ-બેન બધાં તને ઘેરીને ઊભાં હોય
ને તાળીઓની વચ્ચે તું
પા પા પગલી ભરે
એ રોમાંચે પૃથ્વી રણઝણવા લાગે
એ પહેલાં
ધરતી ધણધણી ઊઠી છે.

હમણાં સુધી તો
તારું નાનું પગલું
અને પૃથ્વીની વિશાળતા બંને
પરસ્પર પડકારરૂપ હતાં.

આદિકાળથી
મેરુદંડના ટેકે ટટ્ટાર થયો ત્યારથી
પૃથ્વી પોતાના ઉદરમાં ઊંડે,
તને જેવો છે તેવો
એક પણ પગલું ભરે એ પહેલાં જ
પોતામાં સમાવી લેવા
પ્રતીક્ષા કરતી હતી.

આજે સામસામા છેડાથી
મા-બાપુ કાટમાળ ફેંદે છે
એક એક પથરા ઊંચકી ફેંકે છે
દબાયેલું-ચગદાયેલું પગલું
પેટાળથીય મળી આવે જો....

છેવટ થાકેલી મા પોતાના પેટ પર
હાથ મૂકી ઊભી રહે છે.

પુનરવતાર

આ વખતે પણ
મારો હાથ ઝાલી રાખ્યો તેં
પહેલી વાર ઝાલ્યો હતો એમ જ
પ્રેમ અને ઉષ્માથી થોડો સકંપ.
મને થયું કે ઊગરી જઈશ
હંમેશની જેમ આ વખતે પણ.

...પણ મને બચાવી લેવાના
દરેક પ્રયત્ને
તું અંત ભણી પગલાં ભરતી હતી.
એ જાણતો નહોતો.

આજે તો તેં એવી રીતે હાથ ઝાલ્યો
જાણે રીતસરના આંકડા જ ન ભીડ્યા હોય!

આખરી ભીંસને લીધે
થયેલા પરસેવાની ભીનાશ હજી
હથેળીમાં ટકી રહી છે.
એમાં તરતા તારા સ્પર્શની
ભાતો ઉકેલતો બેઠો છું.

સામે
કાટમાળ નીચેથી
કાલે કે પછી ક્યારેક તારો દેહ મળી આવે
ત્યાં સુધીમાં તો હું
તને પુનર્જીવિત કરી ચૂક્યો હઈશ.


ઘર

ઘર વચ્ચે ઊભા રહીને જોઈએ
તો સામે ભૂજિયો દેખાય

પાછળ હમીરસર
મરી ગયેલી માછલીઓથી ભરેલું.
ડાબી બાજુ દરિયો થોડે દૂર.
જમણી બાજુ થોડે દૂર રણ.

ઉપર આકાશ
પણ હવે સાવ નજીક
બારસાખ જેટલે જ ઊંચે શુક્ર
તોરણનાં મોતી જેમ ઝળકે
બધાં ગ્રહ નક્ષત્ર તારા
હજીય એવાં ને એવાં ચળકે
ઘરની વચ્ચે.

ઘરની વચ્ચે
આખ્ખું આકાશ ઊતરી આવ્યું છે
મધરાતે
ઊભા રહી જોઈએ તો થાય
કે ઘર
આટલું વિશાળ પહેલાં ક્યારેય નહોતું.


ચાંદની રાતે

આજે ફરી એક વાર
મોહેં-જો-દરોની શેરીઓમાંથી પસાર
થઉં છું.

થોડી વાર પછી ચંદ્ર ઊગે છે.
એનાં અમૃતકિરણો વેરાયેલા
કાટમાળ પર પ્રસરે છે.
અને વસ્તુઓમાં આકાર પાછા વળે છે.

ભલે થોડા ઝાંખા... પડછાયા જેવા
કે પછી પ્રતિબિંબ જેવા

સત્ય અને ભ્રાંતિની વચ્ચે હોય તેમ.

સમગ્ર રણવિસ્તાર પણ
સમુદ્રની જેમ હિલ્લોળાવા લાગે છે.

આવી ચાંદની રાતે જ
રણ અને દરિયો
સાવ પાસે પાસે આવી જાય છે.