કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૭. સમુદ્ર


સમુદ્ર



સૂરજ આથમી જાય
પછી સમુદ્રનો ઘુઘવાટ વધુ ઊંડેથી
ખૂબ ઊંડેથી આવતો હોય તેમ સંભળાય.
કાળાં પાણી છેક આંખ સુધી આવી પહોંચે
સાતે સાગર ઉછાળા મારતા અફળાય
આકાશમાં તરતી હોડી અચાનક
ઊંધી વળી જઈ ચંદ્ર પાછળ સંતાય
નાળિયેરીની ટોચે ઝગમગતી રાત
ટીટોડીના અવાજથી
ઘડી આઘી તો ઘડી પાછી હડસેલાતી જાય.


એક પછી એક દરિયા વટાવતો પવન
છેવટ દીવાની જ્યોત પર આવી ઠરે
ત્યારે માછલીની આંખમાં એક તારો ડૂબી જાય
જળમાં જરીક આછો છમકારો થાય
એનો અવાજ દરિયાના ઘુઘવાટ વચ્ચેય
સાવ જુદો પડી જઈ સંભળાય

આજુબાજુ કોઈ ન હોય
તમારો પડછાયો પણ ન હોય
એવું એકાંત હોય ત્યારે
તમે એ સાંભળી શકો
તો સાંભળી શકો કદાચ.


સમુદ્રની અધવચ
અચાનક ઊભું રહી જાય છે વહાણ
સૂરજના ઊછળતા તડકામાં
દૂર દૂરથી આવીને કોઈ પંખી
કૂવાથંભ પર બેસે છે એટલામાં તો
હલેસાં પાછાં બની જાય છે ડાળી
દોરડાં ઝૂલવાં લાગે છે નાળિયેરીનાં પાન જેમ
પાણીનો ઘુઘવાટ બદલાઈ જાય છે સુગંધમાં
માલમ બધા તૂતક પર આવીને જુએ છે તો
સામે કાંઠાના ખડક પર ઊભા રહીને
કોઈ
હાથ હલાવે છે.

દરિયાકાંઠે રેતીનું ઘર બનાવી
કેટલીયે વાર રમ્યાં છીએ આપણે
માછલી જેમ સરસરાટ તરતાં
તો ક્યારેક કાચબા જેમ સેલ્લારા લેતાં
સાંજના તડકામાં પગ નીચે દબાતાં
છીપલાં વીણીવીણીને ભેળાં કર્યાં છે
ને પછી આંગળીએ આંગળીએ પસવારી
મોતીની શોધ કરતાં
રાતોની રાતો પસાર કરી છે.

કોઈ રાતે
શંખને બેય હાથે ઝાલી હોઠે લગાડી
ઘટક ઘટક પીધા કર્યો છે ચાંદો
છેક ખાલી થઈ જાય ત્યાં સુધી
કે પછી
રાત પૂરી થઈ જાય ત્યાં સુધી.



આંખનાં પાણી તરવાં સહેલાં નથી
તું કહે તો સાતે દરિયા તરી બતાવું હું
રાતદિવસ હંકાર્યા કરું વહાણ
સઢની પાછળ ઊગતા ને
આથમતા ચાંદા સૂરજને જોઈ જોઈ
ફૂંફાડતા પવન ને ઊછળતાં મોજાં વચાળ
હલેસાં મારતો રહું સતત
જે કાંઠે તું છે ત્યાં પહોંચવા
એક પછી એક સાતેય દરિયાને વીંધીને
છેવટ
આવી પહોંચ્યા પછીય
તારી આંખનાં પાણી તરી શકું નહીં.


બધા કહે છે
એક વખત અહીં દરિયો હતો.
થોડુંક ઊંડે ખોદો
તો શંખ છીપલાં મળી આવે
થોડુંક વધુ ઊંડે ખોદો તો પરવાળાં
એમ ઊંડે ને ઊંડે ઊતરતા જાઓ
તો દટાઈને સચવાયેલી કંઈ કંઈ
દરિયાઈ જણસ મળી આવે અકબંધ
ઘુઘવાટ પણ મળી આવે કદાચ

ન મળે માત્ર
કોઈ સાંજે હાથમાં હાથ લઈ
ભીની રેતી પર
દૂર સુધી ચાલતાં રહ્યાં એ પગલાં

સૂરજ ક્યારનો સૂકવી ગયો છે એ
ને ક્યાંય ઉડાવી ગયો છે પવન.

હવે ખોદવાનું માંડી વાળો
બધા કહે છે.
પણ કોઈને પગલાં મળ્યાં નથી હજી.



દરિયાની વાત નથી કરવાનો હવે
હજી હમણાં તો આવ્યો છું
સમુદ્રો વીંધીને બ્હાર ભૂમધ્ય
ફરી પગ ખોડીને ઊભો રહેવા અહીં.
આમેય પાણીનાં ઊંડાણ કાપી શકે એવા ક્યાં છે મારા પગ
મારા પગને માટી ચોંટી હોય એ જ મને તો ગમે
તમે જાણો છો
પાણીમાં તો માટી ધોવાઈ જાય છે.

રોજ સાંજે રમીને થાક્યોપાક્યો ઘેર આવું
મા કહે : ‘પગ ધોઈ નાખ’
પગને પાણી અડે એ ગમે
પણ માટી ધોવાઈ જાય એ ગમે નહીં

આજેય ઘણી વાર
રાતે ઊંઘમાં ધોવાઈને ચોખ્ખા થયેલા
પગની પાનીએ માછલીઓ ગલીપચી કરે એવું અડે
ને હું ઝબકીને પથારીમાં બેઠો થઈ જાઉં
શરીર પરથી માછલીઓની ગંધને ખંખેરી નાંખું ત્યારે ઊંઘ આવે.
ઊંઘમાં નાકનાં ફોયણાં માટીની ગંધ સૂંઘવાં ઊંચાનીચાં થયાં કરે.