કાંચનજંઘા/અંધ કવિની સૂર્યોપાસના


અંધ કવિની સૂર્યોપાસના

ભોળાભાઈ પટેલ

ઊગતા સૂરજની સામે ઊભા રહીને વૈદિક કવિએ વરેણ્ય ભર્ગનું ધ્યાન ધરતાં જે મંત્ર રચ્યો તે આજે શતાબ્દીઓ વીત્યા પછી પણ અનેક કંઠમાંથી પ્રત્યેક પ્રભાતકાલે ધ્વનિત થતો રહ્યો છે. ઋગ્વેદકાલીન આ પ્રાકૃતિક દેવતા આજેય જાણે હાજરાહજૂર છે. એની ઉપસ્થિતિ ચરાચરમાં અનુભવાય છે.

પ્રકાશના આ દેવતાની આરાધના માટે ધાર્મિકતાની અનિવાર્યતા નથી. ઊગતા સૂરજની સામે ક્ષણેક તાકતાં જ અલૌકિક સંસ્પર્શ થઈ રહેવાનો. પણ જે ‘દૃષ્ટિહીન’ છે તેને? સૂરજની સામે એ કેવી રીતે તાકશે? સૂરજના ઉદયની ક્ષણ કેવી રીતે જાણશે એ? ગાયત્રીમંત્રના સંવેદનવિશ્વની બહાર રહી જશે એ?

એનો ઉત્તર મળ્યો, જાપાની ચિત્રકાર સિમોમોરા તાન્ઝાનનું એક ચિત્ર જોતાં. એનું શીર્ષકઃ ‘બ્લાઇન્ડ પોએટ વરશિપિંગ ધ સન’ શાંતિનિકેતનની નંદનગૅલેરીના ઉપલા માળે પ્રવેશતાં જ લગભગ આખી દક્ષિણ ભીંત છાઈને ગોઠવાયું હતું આ સ્ક્રોલ પેઇન્ટિંગ. ફોલ્ડ ખોલી શકાય, બંધ કરી શકાય. ચિત્રમાં સૂર્યોદયનું દૃશ્ય હતું. પ્રાકૃતિક સૂર્યોદય કરતાં એક અન્ય સૂર્યોદયનું. એના પીળા કૅન્વાસનો તડકો એક અન્ય તડકો.

લાંબા ચિત્રમાંની ત્રણ વિગતો એકસાથે નજરમાં તરી આવી. લાલ લાલ સૂર્યનું બિંબ, દીર્ઘ શાખાપ્રસારી પ્રફુલ્લિત વૃક્ષ અને એક અવસ્થાનમ્ર ભાવવિભોર જોડહસ્ત વૃદ્ધ.

ચિત્રના શીર્ષકે મદદ ન કરી હોત તોયે વિગતો જોડાઈ જાત, પણ અપૂરતી. વૃદ્ધ કવિ છે, એ તો ચિત્રકારના કહેવાથી જ ખ્યાલમાં આવે, કવિ ‘અંધ’ છે, તે પણ શરૂમાં તો. ધ્યાનમાં પણ આંખો બંધ હોય. પરંતુ અહીં તો હંમેશની બંધ આંખો ધ્યાન ધરી રહી છે. ‘ખુલ્લી’ થઈ સૂર્યદેવતાનું. અંધ કવિએ બે હાથ જોડેલા છે. હાથમાં રહેતી લાકડી અત્યારે ખભે પડી છે. એવું લાગે કે કદાચ આ ક્ષણે ક્ષિતિજે પ્રગટેલા સૂર્યને જોતાં જ પ્રણામની અંજલિમાં હાથ જોડાઈ ગયા હોય અને સંભ્રમમાં હાથમાંની લાકડી છૂટી જઈ ખભે પડી હોય.

અંધ કવિના ચહેરા પર વિસ્મય અને ઉજાસ છે, પલ્લવિત વૃક્ષ જેનો સમાન્તર ભાવ છે. કવિને કેવી રીતે ખબર પડી કે આ હમણાં જ સૂરજદેવતા ક્ષિતિજની બહાર આવ્યા છે! સૂરજની ઉદીયમાન ક્ષણોને તેમણે કેવી રીતે પ્રમાણી? પ્રમાણી હોય તો જ આમ પ્રણામી શકે ને?

કવિનું આ આમ ઊભવું એ જ મૂર્તિમંત પ્રણામ છે. કોઈ દેવતાને તો પ્રણામ કરીએ કે ન કરીએ, પણ કોઈને આમ પ્રણામ કરતાં જોવા એ જ, રિલ્કે કહે છે તેમ, પ્રણમ્ય બની રહે છે. કવિના ઊભવામાં એક સમર્પિત નમ્રતા છે. દેહની પ્રત્યેક ભંગિમા અશેષ નમસ્કારનો ભાવ બની રહે છે. માથા પરના આછા લાંબા વાળ, ખભા પરનું ઢીલું ઉપવસ્ત્ર અને તે પર સરી પડેલી પેલી લાકડી, ઢીલો પાયજામો અને પગનાં સ્લીપર્સ એ જ ભાવનાં વાહક છે.

કવિ અને સૂર્ય વચ્ચે પલ્લવિત પુષ્પિત વૃક્ષ છે. પાનખર પછી પુનઃપલ્લવિત થવાનો સમય હશે. હજી તો ડાળીઓ પણ દેખાય છે અને એ ડાળીઓમાં ઉગમણી બાજુની લંબાયેલી ડાળીઓને છેક છેડે ‘શાખાસૂર્ય’ની જેમ છે લાલ બિંબ. એ જ ક્ષિતિજ. આ વિશાળ ચિત્રમાં આ ત્રણ જ જણ છેઃ ઊગતો સૂર્ય, પુષ્પિત વૃક્ષ અને ઉપાસક અંધ કવિ. ઉપાસનાની આ ક્ષણોનું પવિત્ર એકાન્ત ગાયત્રીના સહજ ઉદ્ગારનું એકાન્ત જાણે! અંધાપો કામ્ય આટલો કદીય નહોતો. મિલ્ટનના ઉપાલંભને તો સ્થાન જ ક્યાંથી?

ચિત્ર આખો દિવસ મનનો કબજો લઈ બેઠું હતું. અંધ કવિની સૂર્યોપાસના – વિરોધાભાસ – માત્ર આભાસ. યાત્રિક ફિલ્મમાં પેલા અંધ જાત્રાળુનો પ્રસંગ યાદ આવ્યો, જે અનેક અનેક કષ્ટો સહીને કેદારનાથનાં દર્શને ગયો છે. યાત્રિક નાયકે એને પૂછ્યું – ‘બાબા, આપ પ્રભુ કે દર્શન કૈસે કરેંગે?’ ‘મન કી આંખો સે’ – બાબાએ કહ્યું હતું. પરંતુ આ અંધ કવિ તો જાણે ખુલ્લી આંખે સૂર્યવંદના કરી રહ્યા છે.

સાંજે ફરી નંદન ગૅલેરીમાં. એ ચિત્ર સામે. અત્યારે અહીં આ ખંડમાં શુભલક્ષ્મીનાં ભજન હતાં. ચિત્રને વળી નિરાંતે જોવાનો અવસર પણ. શુભલક્ષ્મીએ ભજન શરૂ કર્યાઃ પહેલું ભજન –

બુઝત શ્યામ કૌન તૂ ગૌરી…

અહો, આ તો કવિ સૂરદાસનું ગાન! ચિત્રમાંના કવિ ‘સૂરદાસ’ પર નજર જઈ પડી. એ જ તન્મયતા.

સૂર પ્રકાશમાં પલટાઈ જતા હતા જેનું ધ્યાન ધરી શકાય. શાંતિનિકેતન
૧૯૮૧