કાવ્યમંગલા/સાફલ્યટાણું

સાફલ્યટાણું
(સ્ત્રગ્ધરા)


વીણાનાં ગાન થંભે, નિજ નિજ વ્યવહારો તજી વિશ્વ દેખે,
આંખો આશ્ચર્યઘેરી સમયગતિતણે ચિન્તને જૈ વિરામે :
સૂતેલા આજ જાગે, નયનથી નિરખી જાગતા લોક દોડે,
દોડેલા ત્યાં ઝઝૂમે, અડગ કદમ ત્યાં ઝૂઝતા સિદ્ધિ પામે.

વિદ્યુત્વેગે મુમુક્ષા અણુ અણુ પ્રસરે લોક અબાલવૃદ્ધ;
વ્હાલાંનાં વ્હાલ, તાજાં તનુજ કુસુમ શાં, ચિત્તની કૈં મહેચ્છા,
સિદ્ધિઓ ઝિન્દગીની, રજ રજ કરીને સંચિયા દ્રવ્ય ઓઘો,
પ્રાણો ઉત્કર્ષશોખી ધસી ધસી જનની અંચળે આવી પૂગે.

આવે આવે ફરી સૌ દિવસ રજની, એ સૂર્ય એ ચંદ્ર ઊગે,
આવે સંપત્તિ પાછી, સુખમય સમયો આવતા, ઝિન્દગીઓ ૧૦
આવે એકેક પાછી, મરણ પણ મળે કેટલાં કીર્તિમીઠાં,
રે, આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તો ય પાછું ન આવે.

વ્હાલાં, આ લ્હાવ મોઘોં, ધનબલગુણની સિદ્ધિથી યે મહાન,
મોંઘેરો જીવનોથી, વિરલ યશભર્યાં મૃત્યુથી યે મહાન.

(ઑક્ટોબર, ૧૯૩૦)