કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/કચ્છનું પાણી

૪૩. કચ્છનું પાણી

ભાંભરું તો યે ભીંજવે ભાવે,
વણ બોલાવ્યું દોડતું આવે,
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું,
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કિલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!

ભૂજ, ૨-૧૨-૧૯૬૭(આઠોં જામ ખુમારી, પૃ. ૫૧૦)