કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/સંગ શબ્દનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૪. સંગ શબ્દનો

થાતાં તો થઈ ગયો તો ઘડી સંગ શબ્દનો,
પણ આ જુઓ જતો જ નથી રંગ શબ્દનો.

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા,
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો.

સમજાવી એટલે તો શકે છે એ સાનમાં,
કે એની સાનમાં છે સહજ ઢંગ શબ્દનો.

છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
વેધક નહીં તો હોય નહીં વ્યંગ શબ્દનો.

તારી સવારીમાં જ છે એવું નથી કશું,
છે મારી સાંજમાં ય અસલ રંગ શબ્દનો.

‘ઘાયલ' નથી પહોંચતી નાખી કશે નજર,
અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો.

૧૧-૭-૧૯૬૯(આઠોં જામ ખુમારી, પૃ. ૫૨૯)