કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/કોક મને સાહો
૪૮. કોક મને સાહો
સળગે છે સતત ભીતર કે કોક મને સાહો,
રહેવાતું નથી અંદર કે કોક મને સાહો.
છું માટીનું જાહલઘર કે કોક મને સાહો,
થૈ જઈશ પડી પાદર કે કોક મને સાહો.
છે પ્રાણ જવા તત્પર કે કોક મને સાહો,
બહુ જશે પડી અંતર કે કોક મને સાહો.
ઓળખાતું નથી ઘર પણ હું કોણ છું, ક્યાંનો છું?
ઘરમાં ય છું હું બેઘર કે કોક મને સાહો.
ક્યારેય કનકવરણું લહરાયું નહીં તરણું,
છું વર્ષો થયાં પડતર કે કોક મને સાહો.
આ કેમ કરી સાંખું, તૂટે છે બદન આખું,
સહવાતી નથી કળતર કે કોક મને સાહો.
મન ખોયું, સ્મરણ ખોયું અવ જાતું નથી જોયું,
જીવનનું બખડજંતર કે કોક મને સાહો.
માન્યું કે નથી સૂફી છું રિન્દ તથાપિ છું,
નરસિંહ સમો નાગર કે કોક મને સાહો.
ધૂની છું, તરંગી છું, ‘ઘાયલ' છું, સ્વછંદી છું,
છું તેમ છતાં શાયર કે કોક મને સાહો.
(આઠોં જામ ખુમારી, પૃ. ૬૨૧)