કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/સૂરજ

૫૦ સૂરજ

અંધારે અકળાય છે સૂરજ
રાતો પીળો થાય છે સૂરજ

બીજ મહીં બંધાય છે સૂરજ
વૃક્ષોમાં અટવાય છે સૂરજ

કિરણોથી ત્રોફાય છે સૂરજ
કણ કણ થઈ વેરાય છે સૂરજ

દિવસે શું રાતે અંધારે,
આંખ આગળ દેખાય છે સૂરજ

પાણીમાં પ્રતિબિંબ નિહાળી
મૂછ મહીં મલકાય છે સૂરજ

સ્પર્શી રહી છે વાયુ લહર તો
ઓછો ઓછો થાય છે સૂરજ

બંધ કરી લો તો પણ ‘ઘાયલ'
આંખ મહીં ડોકાય છે સૂરજ

(આઠોં જામ ખુમારી, પૃ. ૬૪૨)