કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૨. સ્વરાજરક્ષક


૧૨. સ્વરાજરક્ષક

ધીમે સરી શાશ્વત બ્રહ્મચારિણી
ઉષા પ્રસારે ભગવી પ્રભાને;
કર્મણ્યતા પાય વસુંધરાને
સુધા સ્મિતે, ચેતન-દંડ-ધારિણી.
વાંછી સુખો લોક, સમાજ, સર્વનાં,
પળ્યા પ્રવાસે નિજ કર્મદંડી,
સમર્થ સ્વામી ગ્રહી ધર્મઝંડીઃ
સ્વરાષ્ટ્રના — પ્રેરક — મુક્તિપર્વના.
ઇચ્છ્યું મળે સ્વામી શિવાજીરાજને,
શિષ્યો થયા ચાર સમર્થ સાથ;
ધખે નભે ધોધ પ્રકાશનાથ,
સહે ગણી ધર્મ સ્વરાષ્ટ્ર-કાજને.
મધ્યાહ્નના અગ્નિ અસહ્ય વર્ષતા,
સ્વામી સૂતા શીતળ વૃક્ષછાંયેઃ
લળી લળી વૃક્ષ સુવાયુ વાયેઃ
જ્વાલા ઝરેઃ સ્વામી અગમ્ય હર્ષતા.
શિષ્યો ફરે ખેતર આસપાસ,
હસી રહ્યો શેલડી-વાઢ ભાળી;
પેઠા નથી કો ક્યહીંયે નિહાળી,
ચૂસી ચૂસી સાંઠ કરે ખલાસ.
ટીપે ટીપે ખેડૂત સ્વપ્રસેવે;
એ શેલડીમાં રસ મિષ્ટ પૂરે.
દેખી લીધું સર્વ ઘડીક શૂરે,
હથે ધરી લાકડી અન્નદેવે—
“ઊભા રહો બે ઘડી, ઓ હરામી !
આ શેલડીનો જરી સ્વાદ ચાખો.”
દેખી ધ્રૂજે ક્રોધિત લાલ આંખો,
દોડી પૂગ્યા જ્યાંહીં સૂતેલ સ્વામી.
સ્વામી હસે છે મધુરું સુહાસ,
ખેડુ ગ્રહી લાકડી આવી ઊભો.
“ચોરો બધા આ, સરદાર તું તો !”
સોટા સબોડે થઈ એક શ્વાસ.
સ્વામી હસે, લાલી ચડે સુગાલમાં,
સોટા સહી થાય ગુલાલ વાંસે,
શિષ્યો ધસ્યા ખેડૂત આસપાસે,
સ્વામી વદેઃ “ખેડૂત હાથ ઝાલ મા.”
સ્વહસ્તે સ્વામીને રાજા શિવ સ્નાન કરાવતો;
નિહાળી લાલ વાંસાને ક્રોધથી રાય કાંપતો.
“કહો કહો, કારણ શું, સમર્થ?”
“કશું નથી, વત્સ !” સમર્થ ભાખતા.
પૂછી પૂછી રાય શિવાજી થાકતા;
કર્યા પ્રયત્નો સહુ જાય વ્યર્થ.
શિષ્ય એકે કરી વાત, રાયનો ક્રોધ માય ના !
“સેવકો, બાંધીને લાવો, જરીયે ઢીલ થાય ના !”
ઊભો ધ્રૂજે ખેડૂત રાય સામે,
કાંપી રહ્યા ક્રોધથી ઓષ્ઠ રાયના;
શિવે મૂક્યું મસ્તક સ્વામીપાયમાંઃ
“શિક્ષા કરું શું હું સમર્થ આને?”
હસી રહ્યા સ્વામી સુમંદ હાસ,
“શિવાજી ! એનું કર દાણ માફ.”
રાજા બની સ્તબ્ધ હુવા અવાક !
ખેડુ પડ્યો પાય સમર્થ પાસ.
“બેટા, અમે સર્વ હરામ-ભક્ષક !
ડર્યો નહિ શિષ્ય સમીપ ચાર,
વડો ગણી ચોર કર્યા પ્રહાર,
સન્માન એવા તું સ્વરાજ્ય-રક્ષક !”

૮-૧૨-’૨૯
(કોડિયાં, પૃ. ૬૦-૬૨)