કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૧. પાપી
કોટિ કોટિ નિહારિકા ઘૂમે,
કોટિ પ્રકાશના ગોળઃ
કોટિ પ્રકાશના ગોળ;
નવલખ તારલા લોકવાણીના,
સૂરજ રાતા ચોળઃ
એવું અંતરીખ તણાયું,
અનન્તનું ગેબ ચણાયું !
ટમટમે ઘર-દીવડા જેવો
સૂરજ આપણો એકઃ
સૂરજ આપણો એક;
આભ-અટારીના એક ખૂણામાં,
એક ખૂણામાં છેકઃ
વળી એનું મંડળ મોટું,
ગુરુ-શનિ આઠનું જોટું !
આઠ ગ્રહોનાં આઠ કૂંડાળાં,
એમાં કૂંડાળું એકઃ
એમાં કૂંડાળું એક;
પૃથ્વીનો મારગ પાંચમો ને આડાઃ
ચાંદાના ચાંદ અનેકઃ
એમાં પાંચ ખંડ સમાણા,
પાંચેનાં અલાયદાં થાણાં !
પાંચમાં તો જરી એશિયા મોટું,
એમાંય હિન્દુસ્થાનઃ
એમાંય હિન્દુસ્થાન;
હિન્દમાં મુંબઈ એક ઇલાકો,
વાણિયાઓનું ધામઃ
ઇલાકે ગુર્જર વાડી,
દારૂ ઓછો, ઝાઝી તાડી !
ગુજરાતમાંય કચ્છની પાંખમાં,
આવ્યો કાઠિયાવાડઃ
આવ્યો કાઠિયાવાડ;
એમાંયે વળી એક ખૂણામાં;
શેતરૂંજાના પહાડઃ
એમાં એક ગામ સંતાણું,
એનું મારે કરવું ગાણું !
શેતરૂંજાના ડુંગરા ડોલે
વચમાં ગાંભુ ગામઃ
વચમાં ગાંભુ ગામ;
કાળા ભગતની લીમડીનું ઠૂંઠું,
આંગળી ચીંધે તમામઃ
મોટી મોટી વાતમાં મારું,
નાનું ગાણું લાગશે ખારું !
શેતરૂંજીનાં નીર વહ્યાં જાય,
ગાંભાની કોર ઘસાયઃ
ગાંભાની કોર ઘસાય;
ગામને પાદર રામદુવારે;
સાંજના આરતી થાયઃ
ફળીમાં લીમડી લૂમે,
લીંબોળીનાં લૂમખાં ઝૂમે !
એક દી’ને સમે વાત રહી ગઈ,
ધાર્યું ધણીનું થાયઃ
ધાર્યું ધણીનું થાય;
મારનારો ઉગારનારો બધું
એ જ; કશું નવ જાયઃ
કે’તાં જીભ તાળવે ચોંટે,
વહે લોહી દિલમાં દોટે !
સાવ હતો દિન ઊજળો ને હતો
ધોમ ધખેલ બપોરઃ
ધોમ ધખેલ બપોર;
ગરમી ! ગરમી ! યોગ્ય હતું ટાણું
કાંધ જો મારવો ચોર;
બેઠું’તું રામદુવારે,
હરિજન એકાકારે !
નવ હતા બેઠા ભાવિક, વચ્ચે
બાવાજી વાંચે પાઠઃ
બાવાજી વાંચે પાઠ;
એક ખૂણામાં ગોદડી નાખી
વાળી અદબ પલાંઠ
અગ્યારમા કાળુ ભાભા,
મૂછો જાણે રૂના ગાભા !
કેમ થયું એ તો રામજી જાણે,
છૂટ્યા વા બારેબારઃ
છૂટ્યા વા બારેબાર;
આભમાં મેઘાડંબર ગાજ્યો
વરસે મૂશળધારઃ
ડોળું ડોળું આભ ડોળાયું,
નદી મહીં ઘોડલું ધાયું !
સનન સનન વીજ ઝબૂકે,
કાન ફૂટે કકડાટઃ
કાન ફૂટે કકડાટ;
કોઈનાં ઊંચે છાપરાં ઊડતાં,
કોઈનાં ઊડતાં હાટઃ
માળામાં કાગ કળેળે,
ઝીંકાઝીંક ડાળીઓ ખેલે !
કડડ કરતા થાય કડાકા
વીજ ઝઝૂમે શિરઃ
વીજ ઝઝૂમે શિર;
પડી કે પડશે, મરશું બાપલા !
મૂંઝાયા ધારણધીરઃ
અગ્યારેયે આંકડા ભીડ્યા,
એવામાં બાવાજી ચીઢ્યા !
“પાપીને માથે વીજ ઝઝૂમે !
(એમ) લોકની વાણી ગાયઃ
લોકની વાણી ગાય;
અગ્યારેને મારવા કરતાં
સારું જો એકને ખાય.”
બાવાજીએ સાફ સુણાવ્યું,
કોઈનેયે મન ના ભાવ્યું !
“સાંભળો સાચનાં વેણ સાધુજન !
સૂચવું એક ઉપાયઃ
સૂચવું એક ઉપાય;
સામી ફળીમાં ડોલતી લીમડી,
પંચ કે પાપણી થાયઃ
જઈ જઈ હાથ અડાડો;
પાપી શિરે વીજનો ખાડો !
એક પછી એક લોક ઊઠે, ને
સર્વના ધ્રૂજતા પાયઃ
સર્વના ધ્રૂજતા પાય;
અડ્યા કે ના અડ્યા એમ કરીને
ચટકે પાછા ધાયઃ
આવીને ‘હાશ !’ કરંતા,
સહુ સાથે બાથ ભીડંતા.
નવ જણાએ હાથ અડાડ્યા
જીવ્યા નવેના નવઃ
જીવ્યા નવેના નવ;
“કાળો ભગત તો ઘરડું માણસ !”
બાવો કે’ “જાવા ન દઉં.”
લીમડીએ હાથ અડાડ્યો,
બાવોયે પાછો આવ્યો !
“કાળું કરો તમ મુખડું, કાળા !
ફટ રે ભગત નામ !
ફટ રે ભગત નામ !
પાપી તમે નક્કી, વારો તમારો,
નામ જેવાં તમ કામ !”
સહુ ફિટકાર વહાવે,
ભગતને મન ન આવે !
ડૂલતા, ધ્રૂજતા, ભગત ઊઠ્યા,
પોં’ચ્યા એ લીમડી પાસઃ
પોં’ચ્યા એ લીમડી પાસ;
કડક કરતો થાય કડાકો,
સહુના અધ્ધર શ્વાસઃ
“ભગતના રામ રમ્યા શું?”
પાપી કેરું પારખું તો થ્યું !”
સનન કરતી વીજળી આવી,
દશને લીધા બાથઃ
દશને લીધા બાથ;
કાળા થઈને કોલસા કેરા,
સહુના પગ ને હાથઃ
જીવ્યો કાળો લીમડી કેડે,
મર્યા દશ સમજી-મેડે !
જાવ જદિ કોઈ પાન્થ, મુસાફર !
શેતરૂંજીને તીરઃ
શેતરૂંજીને તીર;
ગાંભાને પાદર રામદુવારે,
થામજો ભાઈ લગીર,
કદી કો બાળને જાચો !
બતાવશે થાનક સાચો.
૨૬-૬-’૩૩
(કોડિયાં, પૃ. ૫૩-૫૯)