કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૫. કૂકડાંનું ગીત
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !... ધ્રુવo
સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ-ગીત ગાનાર ! ...અમેo
નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સુનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર !...અમેo
પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે
જાગૃતિ-રસ પાનાર !...અમેo
જાગો, ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર !....અમેo
(ઉત્તરાર્ધ)
જાગે જગના પ્રાણ સહુ પણ,
વ્યર્થ બધો પોકાર !
આભ ચીરું હું તોય ન પહોંચે,
નાદ મૃત્યુને પાર !...અમેo
મૃત્યુ કેરી નીંદ ચિરંતન,
ક્યાં છે જગાડનાર?
સૂર્યકિરણ જે પાર ન પહોંચે,
શા ખપનો છડીદાર?
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !
(કોડિયાં, પૃ. ૮૯-૯૦)
૧૬-૨-’૫૫
(કોડિયાં, પૃ. ૨૭)