કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૬. પંખીગણની પ્રાતરૂપાસના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬. પંખીગણની પ્રાતરુપાસના

અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
શારદાની વીણા શબ્દ સાધે;
એકલો ઊડતો આભથી ઊતરી
આદિ-પંખી ત્યહીં ગીત લાધે !
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
શારદાની વીણા શબ્દ સાધે !
પુત્ર વારસ અમે આદિ-પંખી તણાં,
શબ્દ શાશ્વત કલી વિશ્વ ભરતાં !
ગિરિવરે, તરુગણે, ગહન ગહ્વર મહીં,
સાત સાગર પરે કેલિ કરતાં !
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
શારદાની વીણા શબ્દ સાધે !

(કોડિયાં, પૃ. ૯૧)