કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૮. હંસવાન


૧૮. હંસવાન

દરિયાના બેટથી ઊઠ્યાં અમે તો,
હિમાળા ડુંગર જાવાં જી !
સાત સાત સમદર ઊડી અમારે,
માનસ-સરમાં નાવાં જી !
લૂમે દાડમડી ને ઝૂમે જમરૂખડી,
મોતી માનસનાં ખાવાં જી !
વન વન શેવતી વેરે પાંખડલી,
સરનાં પંકજડાં હસાવાં જી !
જગનાં પ્રવાસી અમે ઊડતાં પંખીડલાં,
માનસ મરવા જાવાં જી !
આભ ચીરી અવનિ ઊભરાવી,
છેલ્લાં કો હંસગીત ગાવાં જી !

(કોડિયાં, પૃ. ૯૫)