કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૭. ભથવારીનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭. ભથવારીનું ગીત

ગોધણ-ધણીની ભરથારી રે,
હું ગોધણ-ધણીની ભથવારી;
આંબો ને હું પ્રેમ-ક્યારી રે,
પતિ આંબો ને હું પ્રેમ-ક્યારી.
સેંથડે સિંદૂરઃ પ્રેમનાં આંજણ
આંજ્યા આંખે મતવારી;
ઢેલડી જેવી હું થનથન નાચું,
આવને મોરલા રબારી રે... હુંo
રૂમઝુમ રૂમઝુમ ઝાંઝર ઝમકે,
ભાલે શી સ્નેહની સિતારી;
ખેતર ખૂંદી કંથ થાકીને આવે,
દેખે ત્યાં થાક દે વિસારી રે... હુંo
હળવે ઉતારી ભાત મહીડાં પરીસું,
ફૂલડાંની પાથરું પથારી;
કંથડને કાજ ઘર રેઢું મૂકીને
આવું સીમે દાડી દાડી રે... હુંo
વા’લમને છોગલે ગૂંથું ચંબેલડી,
પીંછાં ગૂંથું હું સમારી;
જોઈ જોઈને એ મુખ રળિયામણું,
હૈયામાં ઊડતી ફુવારી રે... હુંo

(કોડિયાં, પૃ. ૯૩-૯૪)