કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૦. મોહનપગલાંમાંથી


૩૦. ‘મોહનપગલાં’માંથી


આઘા વ્હેણે સરતી સરિતા આશ્રમે પાસ આવે.
ઊંચા નીચા હૃદયધબકા પુણ્ય-પાદે ચડાવે.
કાંઠે ઊભી તરુગણ સહુ વારી જાતાં ઝળૂંબેઃ
વેલી વાડે ઘન તિમિરમાં આગિયા પુષ્પ ચુંબે.
ઊંચે કાંઠે, સરસ ઘરની લીંબડાળી ફળીમાં
બિડાયેલાં નયન નમણાંઃ ઊપડે શ્વાસ ધીમા;
નાનું એનું શરીર કુમળું, ભાવ ચૈતન્ય કાંતિ;
પોઢે જાણે જગકલહની મધ્યમાં દિવ્ય શાંતિ.
ઊંચા ઊંચા ગિરિશિખરથી વાય ઊના નિસાસા,
“કોટિ કોટિ જીવન સરજ્યાં, વીંઝણી તોય માતા !”
જાગી ઊઠ્યો ઝબકઃ નમણાં નેનમાં દુઃખ થીજ્યાં,
ચારે બાજુ નજર કરતો, એકલો, ગાલ ભીંજ્યા.
અંગે અંગે, હૃદય, વદને, આંખમાં દાહ જામ્યો !
માતાનાં એ ઝળહળ થતાં આંસુનું રૂપ પામ્યો !

૨૩-૭-’૩૧
(કોડિયાં, પૃ. ૧૪૯)

ઘંટ વાગતાં પ્રચંડ આશ્રમી સહુ પળે
ઉપાસના સ્થળેઃ અનંત આંખડી હસે, લળે,
વિતાનથીઃ નદીતણાં સુમંદ નીર મંજુલાં
કવે કવિતઃ પાથરે સુગંધ વેણ-ફૂલડાં.
કોઈ આવતું હતું, નિગૂઢ નેન પાથરી
વસુંધરા પરેઃ પડે ચડે સુમંદ ચાખડી.
સર્વ નેન એક ધ્યાન, લોહચુંબકે જડ્યાં,
પતિતપાવના પગે, પદે પદે જઈ અડ્યાં.
સળેકડા સમું શરીરઃ આંખમાં ભર્યાં અમીઃ
વિદગ્ધ તોય છે સુહાસઃ રામમાં રહ્યા રમી.
પોતડી ટૂંકી, વીંટેલ ઉત્તરીય છાતીએઃ
પળંત ટેકવાઈ બે કુમારી કાખની નીચે.
આસને સ્થિતિ કરીઃ જરીક નેન ઊઘડ્યાં !
ચહુ દિશે ફરી વળી, ફરી અનંતમાં મળ્યાં !

૨૪-૭-’૩૧
(કોડિયાં, પૃ. ૧૫૧)