કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૨૫. કૌતુક


૨૫. કૌતુક

આ અલપઝલપતું કૌતુક કોરા કાગળ-કપડે વીંટ્યું
સરુસળીના રણમાં ઝીણો સરપ ઝરપતો જાય
કે સૂકાં પાન બદામી ભેળી ખિસકોલી વમળાય
ચિતવન આંબી અધ્ધર ઊડે ચકચક આંખ ચિડૈયા
કેશસરોવર કીકી શું પહોળાય ભમરિયા ઊલટપલોટા ખાય
કપડાં વચ્ચે કેડી ઊગે રવ તરુવર અતિ અપરંપાર
વનમાં રમણે ચડી મછલિયા લસે લસે બલખાય
વન જેવું મન રાની ફૂલે તનમાં વાતો રાતોચટ અંબાર.
અડધી રાતે અધધ થયું આ ભ્રમણા કે દેખાય?
મેરામણના મનખ અચંબે
ડમરીની ડમણી ૫૨ બેસી કયું જનાવર જાય!



૧૯૭૯માં શરૂ કરેલું; પૂરું કર્યું ૨૬-૧૨-૮૨
(અથવા અને, પૃ. ૭૩)