કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૨૬. એક ઘરગથ્થુ દૃશ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬. એક ઘરગથ્થુ દૃશ્ય

ઘે૨ આવીને પહેલું કામ
મેં ખમીસ ઉતારવાનું કર્યું.
આખો દિવસ એણે મારા ધડની ગંદી નકલ કરેલી
એવો ખ્યાલ આવતાં ફેંક્યું ચીડમાં.
એ ખૂણામાં ટૂંટિયું વાળીને પડ્યું,
એની સળમાં
મારું નાક,
મારું કપાળ,
મારી આંખ નીચેના ખાડા,
મારા મરડાયેલા હોઠ
અને મારા વાળ પણ
જરાતરા દેખાયા.
મેં ગભરાઈને ગરદન ૫૨ હાથ મૂક્યો
ગરદન શોધી લઉં તે પહેલાં તો
મારા હાથ આંખની જેમ ઊઘડીને
ટગરટગર જોવા લાગ્યા,
આંગળીઓ હોઠની જેમ મ૨ડાઈ
સિસ્કાર કરી ઊઠી.

૧૯૬૧
(અથવા અને, પૃ. ૭૫)