કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૫૧. દેખતો રહું...


૫૧. દેખતો રહું...

ગામને કેડે નાનકી એવી ઘોલકી મારી,
રોજ ઉઘાડી બેસતો હું એની ઉપલી બારી,
બેઠો બેઠો બસ, દેખતો રહું.
નળિયાં નીચે લૂમતી લીલી
આંબલીની કાતરાળવી ડાળી
હેતથી એને હડસેલા દ્યૈ
શીતળ કો’ લેરખી નખરાળી.
નાળમાં બેઠાં પારેવડાંના ઘુઘવાટે
જારના દાણા સાથે, હું મારી
જળતી જાતને ફેંકતો રહું
બેઠો બેઠો બસ, દેખતો રહું...
ખીલે બાંધ્યાં ગાડરાં ઓલ્યાં
ચાસટિયાને ચાવતાં કેવાં!
એક આ પાડરાં ભૂલશે કે’દિ’
દિવસ આખો ભાંભરવાનો ભૂંડો હેવા?
નીચે
કાતરા વીણતાં ભૂલકાં ભેળું
મનડું મારું માંડતો રહું છેકતો રહું.
બેઠો બેઠો બસ, દેખતો રહું...
ને દૂરના પેલા
લીમડિયાળા ભમ્મર કૂવે
હળવા હાથે ઢોળતી પાણી
ગરીબડી કો’કની ઘરવાળી
લૂગડાં ધૂવે,
ને અહીંયાં કેવી અટકચાળી
શામળી છોકરીઓ લટકાળી
ચારેકોરે, ઝાડવેઝાડવે
બાવળના લઈ સોટા કરતી ઝૂડમઝૂડા;
કૂડા ઓલ્યા કેરડા સાથે
ખરવે ખાખરેથીય અહો લખલૂટ કેસૂડાં...
નાનકી મારી બારીએ બેસી
બેઠો બેઠો બસ દેખતો રહું
આંબલીએથી ઝૂમતી
ખાટી બડાશ ખુમારી
ચાખતો;
એથીય ખાટા મનને મારી
મૂંગી મૂંગી કો’ક મીઠાશે મ્હેકતો રહું...

૧૯૫૬
(અથવા અને, પૃ. ૧૫૮-૧૫૯)