કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૬.બધી બારીઓથી...


૨૬.બધી બારીઓથી..

ચિનુ મોદી

બધી બારીઓથી ડર્યાં તો અહોહો.
કુતૂહલ ટપોટપ ખર્યાં તો અહોહો.

સમય ક્યાંક સંદર્ભ બદલી ન નાંખે.
અજાણ્યાં સ્થળો કરગર્યાં તો અહોહો.

કરચ કાચની, પગ ઉઘાડા છતાં પણ,
પવન જેમ ફરતાં ફર્યાં તો અહોહો.

જશો ક્યાં મુરાદી આ મનને લઈને?
અરીસા ભણી ડગ ભર્યાં તો અહોહો.

ખુશીના પ્રસંગે શરૂઆત કરતી
ઉદાસીનાં માર્યાં મર્યાં તો અહોહો.

સગાઈ વગરના ‘ચિનુ’, શ્વાસ તોપણ,
નદી-નાવ સાથે તર્યાં તો અહોહો.
(ઇર્શાદગઢ, પૃ. ૪૩)