કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૧.હું દિશા ચૂકેલ...


૩૧.હું દિશા ચૂકેલ...

ચિનુ મોદી

‘હું’ દિશા ચૂકેલ હોડીનો ફફડતો શઢ ફકત,
ડૂબવાની રાહ જોતાં ખાઉં હડદોલા સતત.

માવઠાં પર માવઠાં મારેય ખમવાં ના પડત,
ભીંત જેવો હોત તો હું પણ તરત બેસી પડત.

પ્હાડ છોડે, પણ કદી દરિયો નથી ત્યજતી નદી,
જગજૂની આ વાતને પુરવાર તું કરતી ગલત.

આંખ ભીની થાય એવાં આવનારાં ઓ સ્મરણ,
ચાલવું પાછા પગે અઘરું પડે છે દરવખત.

દરવખત પટકાઈને ‘ઇર્શાદ’ બેઠો થાય છે,
આ વખત શક્ય જ નથી એ, બોલ લાગી ગૈ શરત
(અફવા, ૧૯૯૧, પૃ.૬૭)