કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૨. ગજેન્દ્રમોક્ષ

૩૨. ગજેન્દ્રમોક્ષ

જયન્ત પાઠક

ઊંચેરા કાંઠે ઝૂકેલું જંગલ
જંગલમાંથી ન્હાવા ઊતરે જલમાં
બપોરનો ઉન્મત્ત આકરો હાથી —
ગજેન્દ્ર, એના મસ્તકમાં સળગે છે સૂરજ
સૂરજ ઠરતો ઠરતો ચાંદ થયો, ને
ખરતો ખરતો એક કમલનું પાંદ થયો, ને
સરતો સરતો ભીતર જલને પેટ ગયો, ને
વળતો વળતો વમળધરામાં ઠેઠ ગયો, ને
સૂંઢ ડૂબી ને ડૂબ્યો સૂંઢનો સોય ઊંચકતો છેડો
ડૂબ્યો ડૂબ્યો નદી અને વગડા વચ્ચેનો કેડો
પગને જાણે લીધા કોઈએ મોંમાં
જાય ખેંચતો ગળતો એને તિમિરસુંવાળી ખોમાં...
રૂપવતીને તીરે તથા
ગજેન્દ્રમોક્ષની ભણી, બની જે કથા.

૧૯-૮-’૭૯

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૧૩)