કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૩. મૃગયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૩. મૃગયા

જયન્ત પાઠક


બહુશાખી શિંગવાળો મૃગ
શિંગડે ચડાવી મારાં દૃગ
દોડ્યો જાય વનપ્રાન્તે ગહનમાં...
આગલા બે પગ જાણે અનાગતથીય તે આગળ
પાછલા બે અતીતને મૂકી દેતા જોજનો પાછળ ધાય.
પુચ્છના સપાટે સૂતા વાયુને જગાડે
તણખા ખરે ખરીથી ખરખર
તરણાંમાં આગને લગાડે
ચારે બાજુ દવ દવ
અશ્વમુખ ફીણ ફીણ
અંગાંગેથી પ્રસ્વેદનો દ્રવ દ્રવ
બાણ પરે બાણ
આકર્ણ તાણી પણછે ચડે
સનનન અવકાશે ચકચક
ધબ ભોંય પડે
— મૃગ નહીં, બાણ —
રગડાતું ધૂળે સર્વ મૃગયાનું જ્ઞાન!
વનને વળોટીને ગહન
ક્ષિતિજને ઓળંગી સઘન
ગગનની મેર ઉડ્ડયન...
એમ દોડ્યો જાય મૃગ
મૃગયાય મારી એમ...

૨૮-૨-’૮૦

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૨૬-૩૨૭)