કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૭. પાવાગઢમાં

૪૭. પાવાગઢમા

જયન્ત પાઠક

ચાલો જરાક ફરીએ તડકાળ કેડીઓમાં
આ પ્હાડની પુરાણી ખડકાળ કેડીઓમાં.

વૃક્ષોને પાન... ના, ના, છે પંખીઓ જ ફૂટ્યાં!
થોડું ટહેલી લઈએ ટહુકાળ કેડીઓમાં.

સ્તન જેવી ટેકરીઓ વચ્ચે છુપાતી ચાલે
ચાલો શીળી હૂંફાળી શરમાળ કેડીઓમાં.

ભાંગેલ મૂર્તિઓ ને તૂટેલ કોટ-કિલ્લા
શો રાંક થૈ પડ્યો છે આ કાળ કેડીઓમાં!

ટોચે પહોંચી પાછા સંભાળજો ઊતરતાં
સીધો ખીણો ભણીનો છે ઢાળ કેડીઓમાં.

૨-૧-૧૯૮૭

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૦)