કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૫. નચિકેતા


નચિકેતા

નલિન રાવળ

આ ત્રીજી રાત્રિ
હજીય મારે મન — પિતાના શબ્દો
‘જા
તને દીધો મેં યમને’
ઝગે છે દીવાની જ્યોત-શા ઝળહળે છે
હજીય
પિતાના ક્રોધાગ્નિથી દાઝેલો કોમળ અંધકાર કણસે છે
વાગે છે હજીય
હજાર ગાયોના અસ્થિઓમાં ખખડતી
ઘરડી ભાંભરનો અવાજ
આજ
ત્રીજી રાત્રિ
આવી ઊભો છું મૃત્યુને દ્વાર
મૃત્યુ ક્યાં?
અહીં જ આ સન્મુખ છે દ્વાર
સન્મુખ?
મૃત્યુના દ્વાર શું સર્વત્ર નથી?
આ ત્રીજી રાત્રિને કાંઠે ઊભેલો
હું
અંધારના ઘૂઘવતા જળને તરી જઈશ?
આવી ઊભો સૂર્યપુત્ર દ્વાર
ક્યાંય
યમ ક્યાંય નથી
સન્મુખ છે દ્વાર
હું જોતો નથી — સાંભળું છું...
એનાં પગલાંનો ધ્વનિ
તૃણથી લઈ તારકોમાં એકાકાર વહી રહ્યો
કોનો મૃદુ સ્પર્શ
આ કોનો મૃદુ સ્પર્શ
આ કોનો મૃદુ સ્પર્શ મારા પ્રાણપ્રાણે
પ્રકાશનો પાથરી દે પુંજ
પ્રભુ! મહાકાલ!
સૂર્યપુત્ર યમ!
‘વત્સ!
ત્રણ રાત્રિ મારે દ્વાર જલ વિના અન્ન વિના ઊભો
માગ ત્રણ વરદાન’.
‘પ્રભુ!
પાછો જ્યારે તપોવને ફરું
પિતા ભરે સ્નેહબાથ
બને બધું સ્નેહમય
સ્નેહનું દો દાન.’
‘માગ
બીજું વરદાન.’
‘કયો અગ્નિ!
કયા અગ્નિનો પ્રકાશ દોરે સ્વર્ગ પ્રતિ
નહીં જરા નહીં મૃત્યુ
નહીં યમ તમારીય ગતિ તહીં
જહીં અમરત્વ.’
‘એ
અગ્નિ તારું આત્મરૂપ જાણ
દેહપાત પ્હેલાં રાગ-દ્વેષ અધર્મ ને અજ્ઞાન વિદાર
થઈ બ્રહ્મજજ્ઞ
બુદ્ધિમાં નિહિત ગુહ્ય અગ્નિને પ્રમાણી
પામ ઉપરતી.
વત્સ!
પ્રસન્ન હું પ્રસન્ન હું
આ અગ્નિ હવે ઓળખાશે નાચિકેત અગ્નિ
હવે
છેલ્લું વરદાન માગ.’
‘માગું
મારા આત્માનું રહસ્ય
શી છે ગતિ? મૃત્યુ પછી
આ જ મારું અભિષ્ટ છે વરદાન.’
‘દુર્લભ આ જ્ઞાન
કશું અન્ય માગ
આપું રાજ્ય — આપું સત્તા — આપું સર્વસ્વ
તું માગ જેના શ્વાસ થકી સુરભિત થાય સ્વર્ગ
સ્વર્ગની તે અપ્સરાઓ માગ
માણ સુખ કામિનીઓ સંગ
સુખ માણ તારા પુત્ર-પૌત્રો સંગ
માગ અન્ય
માગ નહીં દુર્વિજ્ઞેય જ્ઞાન — આત્મજ્ઞાન
નચિકેતા!
આત્મલીન નચિકેતા!
તે
જ્ઞાન મહીં નહીં અસ્તિ અને નાસ્તિરૂપ ગતિ
આત્મા સર્વ વિકલ્પોની ગતિથી રહિત,

ધર્મથી અતીત વળી પૃથક એ અધર્મથી

ભૂત–વર્તમાન–ભવિષ્યથી અન્ય
એનું એકમાત્ર અક્ષર પ્રતીક
એ છે બ્રહ્મ —
આ અક્ષર પરમ
જે
આ અક્ષરને જાણી જેવી કરે ઇચ્છા
તે પામે તેજ રૂપ
જો
અહીં ઊભો આત્મા તોય દૂર ચાલ્યો જાય
પોઢ્યો અહીં તોય સર્વ બાજુ પહોંચે.
જો
આભ સમો તારા-મારા — સહુમાંયે વિસ્તર્યો છે
તોય નાનો અણુથીય.

આભવૃક્ષ ઝૂલી રહ્યું મૂળ જેનાં ઊર્ધ્વ
નીચે
શાખાઓ સૌ ઝૂલી રહી
શબ્દ–સ્પર્શ–રૂપ–રસ–ગંધ થકી નહીં તે છે લભ્ય
તે
પ્રાણાત્મામાં સૂર્ય પામે ઉદય ને અસ્ત
રથચક્રના નાભિમાંથી પ્રસરેલા આરાઓ
ના રથચક્ર ગતિ અતિક્રમી શકે
તેમ
તે ના વળુંભાય
નચિકેતા!
તું વિસ્તરે છે, વિસ્તરે છે વિસ્તરતો નથી
તું જાય... જાય છે તું જઈ રહ્યો
કર્મ અને અકર્મની પાર
શ્રેય-પ્રેય, જન્મ-મૃત્યુ, સ્વર્ગ-ધરા
સ્થળ અને કાળનીય પાર
તને જોઉં
તહીં જહીં નહીં સૂર્યનો પ્રકાશ, નહીં ચન્દ્રનો પ્રકાશ
નહીં તારકો વા વીજળીનું તેજ તોયે કેવું ઝળાંઝળાં તેજ
તેજ મહીં દીપી રહ્યો
આત્મદર્શી નચિકેતા
તેજોમય નચિકેતા.’
(અવકાશપંખી, પૃ. ૩૦૯-૩૧૩)