કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૭. આષાઢ આયો

૧૭. આષાઢ આયો

નિરંજન ભગત

રે આજ આષાઢ આયો,
મેં નેણનાં નીરમાં મનનો તે માઢ ગાયો!

દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાંખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો!

મેઘવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો!

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો!

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારે ય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ?
રે આયો આષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો!
બિરહમાં બાઢ લાયો!
એ આજ આષાઢ આયો!

૧૯૪૭

(બૃહદ છંદોલય, પૃ. ૧૨૦-૧૨૧)