કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૨. વીરની વિદાય


૧૨. વીરની વિદાય

ન્હાનાલાલ


મ્હારા કેસરભીના કન્થ હો !
સિધાવો જી રણવાટ. – ધ્રુવ
આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ !
          ઘેરા ઘોરે શંખનાદ :
દુંદુભિ બોલે મહારાજનાં, હો !
          સામન્તના જયવાદ :
          મ્હારા કેસરભીના કન્થ હો !

આંગણ રણધ્વજ રોપિયા હો !
          કુંજર ડોલે દ્વાર :
બંદીજનોની બિરદાવલી હો !
          ગાજે ગઢ મોઝાર :
          મ્હારા કેસરભીના કન્થ હો !

પુર પડે, દેશ ડૂલતા હો !
          ડગમગતી મ્હોલાત :
કીર્તિ કેરી કારમી, રાજ !
          એક અખંડિત ભાત :
          મ્હારા કેસરભીના કન્થ હો !

નાથ ચ્હડો રણઘોડલે રે,
          હું ઘેર રહી ગૂંથીશ
બખ્તર વજ્રની સાંકળી : હો !
          ભર રણમાં પાઠવીશ :
          મ્હારા કેસરભીના કન્થ હો !

સંગ લેશો તો સાજ સજું, હો !
          માથે ધરું રણમ્હોડ :
ખડ્ગને માંડવ ખેલવાં,
          મ્હારે રણલીલાના કોડ :
          મ્હારા કેસરભીના કન્થ હો !

આવતાં ઝાલીશ બાણને, હો !
          ઢાલે વાળીશ ઘાવ :
ઢાલ ફૂટ્યે મ્હારા ઉરમાં, રાજ !
          ઝીલીશ દુશ્મનદાવ :
          મ્હારા કેસરભીના કન્થ હો !

એક વાટ રણવાસની રે,
          બીજી સિંહાસન વાટ :
ત્રીજી વાટ શોણિતની સરિતે,
          હો શૂરના સ્નાનનો ઘાટ :
          મ્હારા કેસરભીના કન્થ હો !

જયકલગીએ વળજો, પ્રીતમ !
          ભીંજશું ફાગે ચીર :
નહીં તો વીરને આશ્રમ મળશું
          હો ! સુરગંગાને તીર;
          મ્હારા કેસરભીના કન્થ હો !

રાજમુગટ ! રણરાજવી ! હો !
          રણઘેલા ! રણધીર !
અધીરો ઘોડીલો થનગને, નાથ !
          વાઘો રણે, મહાવીર !
          મ્હારા કેસરભીના કન્થ હો !

(કેટલાંક કાવ્યો, ભાગ-૨, પૃ. ૫૮-૬૦)