કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪. તાદાત્મ્ય


૪. તાદાત્મ્ય

ન્હાનાલાલ


પોઢી ઝાંખી પ્રિયભુવનમાં છાંયડી પૂર્વજોની,
          ત્હેમાં બેસી ગૂંથતી ઝભલાં સુન્દરી પુણ્યવન્તી :

માતાકંઠે હીંચી હીંચી ઝરે ચન્દ્રિકા ચુંબનોની,
          બાલુડાની કુસુમપટ શી શ્વેત મુદ્રા હસન્તી.

ચુંબે-દાબે અમૃતનયનો માતના હસ્તલેખા,
          ન્હાની આંખો નિમિષ ઊંડું શું આંખડીમાં નિહાળે :

પાછાં વાળે વળી ધીમાં ચુંબનો માતૃરેખા,
          ને સંકેલી નયનકિરણો બાલનું તેજ ભાળે.

આઘે દેશો ગિરિશિખરમાં વ્યોમછાયે પડેલા,
          મોંઘી મૂર્તિ શ્રમિત લઈને પ્રાણમાં આવી ઊભા;

હૈયે લીધો તનય, લટને ચુંબનોથી સમારી :
          જોયું ચારે દિશ સદનમાં, શૂન્ય સ્થાનો થયેલાં.

ધારે કાન્તિ નવીન, ચૂમતી સુન્દરી બાલશોભા :
          ‘વ્હાલા ! વ્હાલા ! પ્રણયપ્રતિમા બાળુડી આ ત્હમારી.’

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૧)