કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૭. ધૂંધળી સાંજે


૩૭. ધૂંધળી સાંજે

ક્યારેક
કોઈક ધૂંધળી સાંજે
તું
કોઈ પુલ પર ઊભો હોઈશ.
નીચેથી નદી
ખળખળ ખળખળ વહેતી હશે
અને વિચારીશ
કે
કેમ થોભ્યો?
તું
કાંડાઘડિયાળ તરફ જોઈશ.
કદાચ
સમય પાસે કોઈ જવાબ હોય!
અને
યાદ આવશે
કે
આ જ પુલ
આપણે ઓળંગવાનો હતો.
કોઈ
મુવી સ્ટારની જેમ
સિગરેટ સળગાવી
એના ધુમાડામાં
વિચારોને ઓગાળવાનો પ્રયત્ન કરીશ.

પછી,
જૅકેટના ખીસામાં ઊંડે હાથ નાખી
પુલ ઓળંગીશ—
મારી સાથે...!


(દ્વિદેશિની, પૃ. ૧૫૧)