કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૮. પ્રતીક્ષા


૩૮. પ્રતીક્ષા

ફિલાડેલ્ફીઆથી અમદાવાદ.
નિર્લેપભાવે
ઝાંપો ખોલું છું
અને
પુરુષની બંધ મુઠ્ઠી જેવા
ઘરમાં પ્રવેશું છું.
મને જોઈને
હીંચકો
આપમેળે ઝૂલવા લાગે છે.
દીવાલો આપે છે
પરિચયનું સ્મિત.
બૅગમાં ગોઠવાયેલાં વસ્ત્રોની જેમ
હું
ફરી પાછી
આ ઘરમાં ગોઠવાઈ જાઉં છું.
પુરુષની ખુલ્લી હથેળી જેવા ઘરમાં
વહેતી હવાની જેમ
અનેક માણસોની
સતત અવરજવર.
અમેરિકા અને અમદાવાદ—
આ બન્ને વિશ્વની વચ્ચે
હું
ત્રીજા પાત્રની પ્રતીક્ષા કરું છું
બેકેટના પાત્રની જેમ...


(દ્વિદેશિની, પૃ. ૧૫૨)