કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૨. પ્ર-દર્શન


૪૨. પ્ર-દર્શન

તેં આગ્રહ કર્યો
એટલે
હું
તારે ત્યાં આવી.
જે નાનકડા ઘરમાં
આપણે પ્રેમ કર્યો હતો
એને તોડી પાડીને
ત્યાં તેં બંધાવ્યું છે
આલીશાન મકાન.
તેં પ્રવેશદ્વારમાં મૂકી છે
વિઘ્નહર્તા ગણેશની
છ ફૂટ ઊંચી મૂર્તિ.
દાખલ થતાં અચૂક નજરે પડે:
રાચરચીલાનું અશ્લીલ પ્રદર્શન,
સ્વપ્નસિદ્ધિ પ્રસિદ્ધિની ચાડી ખાતાં ફ્રેમ કરેલાં સર્ટિફિકેટો,
કોફીટેબલ પરનાં છાપાંનાં કટિંગો
અને
અગ્રગણ્ય વ્યક્તિઓ સાથે
વિજેતા-સ્મિત સહિત
હાથ મિલાવતા
અસંખ્ય ફોટોગ્રાફ્સ,
દાદર પર લટકાવેલી દીકરા દીકરી પૌત્ર પૌત્રી
અને
સુખની મલાઈ જેના
ગાલો પર છલકાય છે
એવી ગોળમટોળ
અને
હૃષ્ટપુષ્ટ પત્ની સાથેની
સુખી સંસારની તસવીરો.
પણ મને ક્યાંય ના દેખાયો
તું કહે છે
એવો
સુસ્ત કે અશક્ત કે અસ્વસ્થ કે અસહ્ય સંસાર.
અરે હા,
મકાનમાં ફરતાં
પગ અટક્યા’તા
ઠેકઠેકાણે ગોઠવેલાં
પ્લાસ્ટિકનાં ફૂલછોડ પાસે.
આવી હતી
એવા જ
ભારે પગલે
મકાનમાંથી બહાર નીકળી
ત્યારે
તેં મને
એક જ સવાલ પૂછેલો: ‘કેમ કશું લીધું નહીં?’
મેં આંખથી જ સામો સવાલ પૂછેલો:
‘તને અહીં સોંપી દીધા પછી
મારે લેવાનું પણ શું હોય?’


(દ્વિદેશિની, પૃ. ૨૩૨-૨૩૩)