કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૫૦. બા
વળાવી તેને યે ભવ વીતી ગયો, તું પણ ગઈ.
કદી આવે બા, તું મુજ વ્યથિતને શાંત કરવા
હવે મારા ખાલીખમ જીવનમાં સાંત્વન થવા.
હજી એની એ તું: નમણું મુખ ને આર્દ્ર નયનો
દબાવી ધીમેથી કર, ટપલી દે ગાલ પર ને
વ્યથા મારી જાણી, સુખદુ:ખ તણી વાત કરતી
ધીરેથી પૂછે છે: ‘દીકરી મીઠડી, શી ખબર છે?
કહે બેટા, તારે જીવનવન શાં શાં દુ:ખ પડ્યાં?
કીધું ન્હોતું કે જે દુ:ખ પણ પડે તેય સહવાં?
અહીં આ સંસારે સુખદુ:ખ સદા સાથ જ જડ્યાં!’
બધી તારી વાતો, શીખ સમજ એળે જ ગઈ, બા,
ફ્ળ્યું ઝાઝું કૈં ના જીવન મમ, આપ્યું સુખ નથી
કરાવી છે ચિંતા, જનની, મુજને માફ કરજે.
(દ્વિદેશિની, પૃ. ૩૩૪)