કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૫. કો’ક પંખી


૫. કો’ક પંખી

હું શૂન્ય થઈ બેઠી’તી
ત્યાં
મારા વૃક્ષ પર
મુખમાં તણખલાંવાળું એક પંખી બેઠું.
મને તો એમ કે
એ પલકમાં ઊડી જશે.
ના, એને તો
મારી ડાળ પર માળો બાંધવો’તો.
મારા શ્વાસમાં એને ધબકવું’તું.
ભવભવની ઓળખ
આંખને આપવી’તી.
એણે માળો બાંધ્યો.
ખાસ્સી મોટી પાંખો પસારી
મને સમાવી લીધી.
કેટલીય રાતોની
અમારી પાંપણોની મૂંગી મૂંગી વાતથી
મારા ઘા રુઝાવા માંડ્યા.
ત્યાં
એને શુંય સૂઝ્યું
કે
મારા અર્ધરૂઝ્યા વ્રણ ખોલી નાખી
ભરચાંદનીએ મને બળતી મૂકી
એ ઊડી ગયું.
હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ મારી પાસે નથી

અને છતાંય
કોણ જાણે કેમ
વૃક્ષની ડાળેડાળ
એના ભારથી લચી ગઈ છે.

(વિદેશિની, પૃ. ૩૧)